અત્યાર સુધીમાં 50 ટકાથી પણ ઓછી વસ્તીને રસીકરણ થયું હોય તેવા જીલ્લાઓમાં ચલાવાશે ‘હર ઘર દસ્તક’  અભિયાન

રસીકરણ ઝુંબેશને વધુ તેજ બનાવી આવતા અવરોધોને દૂર કરવા કેન્દ્ર સરકારે શરૂ કરી નવી મુહિમ, હવે ઘરે ઘરે જઈ રસી અપાશે

કોરોના વાયરસ સામેની વૈશ્વિક જંગ જીતવા વિશ્વના તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. એમાં પણ વિશ્વના સૌથી મોટા એવા ભારતના રસીકરણ અભિયાનમાં દેશે 100 કરોડ કરતા પણ વધુ રસીકરણ કરી મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. વાયરસ સામે બચવા હાલ રસીકરણ અને નિયમોનું પાલન જ એક મોટા ઉપાય સમાન છે. જેને અનુસરી ભારતના ઘણાં ખરા જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ થઈ ગયું છે.

પરંતુ હજુ ઘણા એવા જિલ્લા, વિસ્તારો છે જ્યાં રસીકરણની કામગીરી સુસ્ત ચાલી રહી છે. રસીની આડઅસરની બીકે તો અંધશ્રદ્ધાને કારણે ઘણા ખરા જિલ્લાઓમાં રસીકરણ ઓછું નોંધાયું છે. આવા પછાત વિસ્તારોમાં પણ રસીકરણ અતિ ઝડપી બનાવી તમામ લોકોને કોરોના સામેનું સુરક્ષાકવચ પહોંચાડવા સરકારે નવું અભિયાન ‘હર ઘર દસ્તક’ શરૂ કર્યું છે. હવે કોરોના તમારા ઘરે દસ્તક દે તે પહેલાં રસી પહોંચી જશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે સરકાર આવતા મહિનાથી કોરોના સંક્રમણ રોગ સામે એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ, આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોને રસી આપશે. આ સમય દરમિયાન, બીજા ડોઝથી વંચિત લોકો તેમજ અત્યાર સુધી એક પણ ડોઝ ન મેળવનાર લોકોને પણ રસી આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, મુખ્ય ધ્યાન દેશના તે 48 જિલ્લાઓ પર રહેશે જ્યાં 18 વર્ષ કે તેથી વધુ વયની વસ્તીના 50 ટકાથી ઓછા લોકોને કોરોના સામે રસી આપવામાં આવી છે.

નોંધનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. જેમાં દેશભરના રસીકરણ પર વ્યાપક ચર્ચા વિચારણા થઈ હતી. જે બાદ કેન્દ્રીય મંત્રીએ હર ઘર દસ્તક મુહિમની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે, તાજેતરમાં, દેશમાં 100 કરોડ કોવિડ રસીની સફળતા હાંસલ કરવામાં આવી છે. જો કે, દેશના કેટલાક ભાગોમાં રસીકરણની ગતિ ધીમી છે. આના કારણોમાં લોકોમાં જાગૃતિનો અભાવ, રસી અંગેની ખચકાટ અને ભૌગોલિક અવરોધોનો સમાવેશ થાય છે. આંકડા દર્શાવે છે કે 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ 6 અઠવાડિયાથી વધુ સમયથી બીજો ડોઝ લીધો નથી.

એ જ રીતે, લગભગ 1.57 કરોડ લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનનો તેમનો બીજો ડોઝ ચારથી છ અઠવાડિયામાં અને 15 કરોડથી વધુ લોકોએ બેથી ચાર અઠવાડિયા મોડો લીધો છે. કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લેનાર 11 કરોડથી વધુ લોકોએ બે ડોઝ વચ્ચેનો નિર્ધારિત અંતરાલ વીતી જવા છતાં બીજો ડોઝ લીધો નથી. આ આ જગ્યા પૂરવા અને રસીકરણની ગતિ વધુ વધારવા હવે સરકાર ઘરે ઘરે રસી પહોંચાડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.