તેલગણાંનો મૃણાલ, દિલ્હીનો તન્મય અને મહારાષ્ટ્રની કાર્થિકાએ 720માંથી 720 ગુણ હાંસલ કર્યા
અબતક, નવી દિલ્હી
મેડીકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે 12મી સપ્ટેમ્બરના રોજ લેવાયેલી નીટ યુજીનું પરિણામ ગઇકાલે જાહેર કરી દેવાયું છે. આ પરિણામમાં હૈદરાબાદના મ્રિનલ કુટેરી ઓલ ઇન્ડિયામાં પ્રથમ રેન્કમાં સ્થાન મેળવ્યું છે. આજ રીતે તન્મય ગુપ્તા બીજા રેન્ક પર અને ત્રીજા રેન્કમાં મહારાષ્ટ્રની કાર્થિકા નાયરે સ્થાન મેળવ્યું છે. દરેક વિદ્યાર્થીઓને ઇ-મેઇલ મારફતે પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ ક્રમે આવનારા વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. આ પરિણામની સાથે ફાઇનલ આન્સર કી પણ જાહેર કરી દેવાયા છે. ગુજરાતમાંથી અંદાજે 75,000 વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. ગુજરાતમાંથી પ્રશમ શાહ અને શ્ર્લોક સોનીએ 720માંથી 705 માર્ક્સ મેળવ્યાં છે.નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા 12મી સપ્ટેમ્બરના રોજ મેડીકલમાં પ્રવેશ માટે નેશનલ એલીજીબીલીટી કમ એટ્રન્સ ટેસ્ટ નીટ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી અંદાજે 16 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પરિણામને આધારે ટૂંક સમયમાં ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો અને જુદા-જુદા રાજ્યોની મેડીકલ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ પરિક્ષાને આધારે દેશની મેડીકલ 83,075 અને ડેન્ટલની 26,949, આયુષની 52720 અને વેટરનરીની 603 બેઠકો પર પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતમાં હાલમાં મેડીકલની 5,650, ડેન્ટલની 1,000 અને આયુર્વેદની અંદાજે 3,500 તેમજ હોમીયોપેથીની પણ 3,500 બેઠકો મળી અંદાજે 13,000 થી બેઠકો માટે કાર્યવાહી કરાશે. બી-ગ્રુપના વિદ્યાર્થીઓને મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ ન મળે તો નર્સિંગ, ફિઝિયોથેરાપીની અંદાજે 20,000થી વધારે બેઠકો પર પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે, ચાલુ વર્ષે પરિણામની પદ્વતિ બદલીને વિદ્યાર્થીઓને વ્યક્તિગત મેઇલ કરાયાં હતા જેના કારણે અનેક વિદ્યાર્થીઓને મેઇલ મળ્યાં અને કેટલાંક વિદ્યાર્થીઓને ન મળ્યા હોવાની વ્યાપક ફરિયાદો આવી હતી. આ પરિણામ શનિવારને બદલે એનટીએ દ્વારા સોમવારે પરિણામ જાહેર કરાયું હતું.