કોલકાતાની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ જીવંત
આઈપીએલના ફેઝ-૨ મા બીજી મેચ રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જેમાં કેપ્ટન કેન સહિત હૈદરાબાદના ખેલાડીએ ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકસાને ૧૧૫ રન કર્યા હતા. જેના જવાબમાં કોલકાતાની ટીમે ૨ બોલ પહેલા સ્કોર ચેઝ કરી ૬ વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીતની સાથે જ કોલકાતાની ટીમ પ્લેઓફની રેસમાં આગળ વધી છે.
ઓઈન મોર્ગનની કેપ્ટનશિપ હેઠળ કોલકાતાની ટીમ માટે આ મેચ ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. કોલકાતાના ૧૨ મેચમાંથી ૧૦ પોઇન્ટ છે. અહીંથી આગામી બે મેચ જીતીને ટીમ પ્લેઓફમાં સ્થાન સુરક્ષિત કરી શકશે. કેન વિલિયમ્સનની કેપ્ટનશિપ હેઠળ હૈદરાબાદ ટીમના ૧૧ મેચમાં ૪ પોઇન્ટ છે. હૈદરાબાદ માટે પ્લેઓફના દરવાજા પહેલેથી જ બંધ છે, પરંતુ હૈદરાબાદ પાસે કોલકાતાની ગેમને બગાડવાનો અવસર હતો.
પહેલા બેટિંગ કરતા હૈદરાબાદની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. કોલકાતાના બોલર્સે પહેલી જ ઓવરમાં ઋદ્ધિમાન સાહાની વિકેટ લઈને મેચમાં પકડ બનાવી લીધી હતી. જેસન રોયને ફક્ત ૧૦ રનમાં શિવમ માવીએ પેવેલિયન ભેગો કરીને હૈદરાબાદના ટીમની કમર તોડી દીધી હતી. કેપ્ટન કેન વિલિયમ્સન પણ ૨૬ રને જલદીથી પેવેલિયન ભેગો થયો હતો. પાવરપ્લે સુધી હૈદરાબાદનો સ્કોર ફક્ત ૩૫ રન હતો.
ગત સીઝનમાં પણ હૈદરાબાદે કોલકાતાને બહાર કરેલું
ગત સીઝનમાં હૈદરાબાદની છેલ્લી મેચ મુંબઈ સામે હતી. જો મુંબઈ એ મેચ જીતી હોત તો કોલકાતાને ફાયદો થયો હોત, પરંતુ હૈદરાબાદે મુંબઈને હરાવીને પ્લેઓફમાંથી બહાર કરી દીધું હતું. હૈદરાબાદ આ સિઝનમાં સૌથી નબળું પ્રદર્શન કરનાર ટીમ રહી છે, પરંતુ હૈદરાબાદએ ઓછામાં ઓછી છેલ્લી કેટલીક મેચોમાં બોલિંગમાં ઘણો સુધારો કર્યો છે.