ફાકી લેવાની ના પાડતાં બાવાજી યુવકને માર મારતા નોંધાતા ગુનો
શહેરમાં ભગવતીપરા પોલીસ ચોકી પાસે ફાકી લેવાની ના પાડતાં બાવાજી યુવક પર એક શખ્સે છરી વડે હુમલો કરતાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે મામલેબી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ ભગવતીપરામાં નંદનવન સોસાયટીમાં રહેતાં રાહુલભાઇ દિલીપભાઇ રામાવત (ઉ.વ.21) એ ફરિયાદમાં આરોપી તરીકે પપ્પુ મોમેડિયનનું નામ આપતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ દાણાપીઠમાં કટારીયા પ્લાસ્ટીક નામની દુકાનમાં નોકરી કરે છે. ગઇકાલના રાત્રીના સાડા અગ્યારેક વાગ્યે ભગવતીપરા પોલીસ ચોકી પાછળ આવેલ મામા સાહેબના મંદીરના ઓટલે એકલો બેઠો હતો ત્યારે ત્યા પપ્પુ મોમેડીયન તેની પાસે આવેલ અને મને તેના માટે ફાકી લેવા જવાનું કહેતા તેને ફાકી લેવા જવાની ના પાડતા પપ્પુએ ગાળ આપી ફડાકો મારેલ હતો.
ફરિયાદીએ સામે પણ ફડાકો મારતાં પપ્પુએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ધા પડખાના ભાગે મારી દેતા તેઓને લોહી નીકળવા લાગતા માણસો ભેગા થઇ જતાં પપ્પુ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં ફરિયાદીએ તેના મોટાભાઈને જાણ કરતાં તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જેમ બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ પી.બી.ત્રાજીયાએ વધું તપાસ હાથ ધરી હતી.