પૈસા લઈ જવાનું કહી યુવાનને બોલાવી એક શખ્સ છરી વડે તૂટી પડ્યો

શહેરમાં આવારા તત્વો જાણે બેખોફ થઈ ગયા હોય તેમ ખાખીનો ખોફ ઓસરતો હોય તેમ નાની નાની બાબતે પણ છરીઓથી હુમલો થવાની ઘટનાઓમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક એવો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં કારખાનેદારે ઉધાર આપેલા માલના રૂપિયાની ઉઘરાણી કરતા એક શખ્સે છરી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા કારખાનેદાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર બેડી બાયપાસ રોડ પર મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા નામનો 37 વર્ષનો યુવાન પર રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં માધાપર બેડી બાયપાસ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપની સામે ઇન્દુભા રાણાએ છરી વડે હુમલો કરી હાથ અને કમરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.હુમલામાં ઘવાયેલા કલ્પરાજસિંહ ચુડાસમાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કલ્પરાજસિંહ ચુડાસમા માધાપર ચોકડી પાસે યોગી પાર્કમાં લિક્વિડ શેમ્પુનું કારખાનું ધરાવે છે અને હુમલાખોર ઇન્દુભા રાણાએ છ મહિના પહેલા 45 દિવસમાં રૂપિયા આપવાની શરતે ઉધારમાં રૂ.80 થી 85 હજારનો માલ ખરીદ્યો હતો. જે માલ અશોકસિંહ ઝાલાના હસ્તે આપ્યો હતો. બાદમાં અશોકસિંહ ઝાલાએ ફોન કરી કલ્પરાજસિંહ ચુડાસમાને બોલાવ્યા બાદ પૈસાની વાત કરતા ઇન્દુભાએ છરી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.