રાઈટ ટર્ન પર પ્રતિબંધ મુકાય તો અન્ડરપાસ બનાવવાનો ૨૦ કરોડનો ખર્ચ બચી જાય
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે ઓવરબ્રિજની નીચે કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવાયો છે પરંતુ બે વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવા છતાં એક પણ એજન્સીએ રસ ન દાખવતાં હવે અંડરપાસનો ૨૦ કરોડનો ખર્ચ બચાવવા માટે એક નવી જ વિચારણા શરૂ કરવામાં આવી છે. જેમાં કેકેવી સર્કલ ખાતે કાયમી ધોરણે રાઈટ ટર્ન પર પ્રતિબંધ મુકવાની વિચારણા ચાલી રહી છે.
હાલ ટ્રાફિક પોલીસ દ્વારા પીકવર્સ દરમિયાન કેકેવી ચોક ખાતે રાઈટ ટર્ન પર પ્રતિબંધ મુકવામાં આવે છે જેમાં વાહન ચાલકોનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહાપાલિકાએ કેકેવી સર્કલ ખાતે ૨૦ કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાના બદલે કાયમી ધોરણે અહીં રાઈટ ટર્ન પર પ્રતિબંધ મુકવાની વિચારણા શરૂ કરી છે. એટલે કે જો વાહન ચાલક આત્મીય કોલેજ તરફથી આવતો હોય અને તેને ગોંડલ રોડ ચોકડી તરફ જવું હોય તો તે સીધો કેકેવી ચોકથી જમણી તરફ વળી શકશે નહીં પરંતુ તેને ડાબી તરફ વળાંક લીધા બાદ રૈયા ટેલીફોન એકસચેન્જ સર્કલ સુધી લાંબુ થવુ પડશે અને ત્યાંથી તે રાઈટ સાઈડ થઈ ગોંડલ રોડ ચોકડીએ જઈ શકશે. સામે બાજુ મહિલા કોલેજ ચોક તરફથી આવતા વાહન ચાલકે રૈયા ચોકડી તરફ વળવું હોય તો તેને પહેલા આત્મીય કોલેજ તરફ જવું પડશે અને ત્યાં ડિવાઈડર પાસેથી પસાર થયા બાદ કેકેવી સર્કલે આવી ડાબી સાઈડ ટર્ન લઈ રૈયા સર્કલે જવાનું રહેશે.