હોળીના તહેવારમાં મજૂરો વતન પરત ફર્યા બાદ મોડા આવતા બ્રિજના કામમાં વિક્ષેપ: એક પખવાડીયું મોડું લોકાર્પણ થવાની સંભાવના
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફીકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ રાજમાર્ગો પર ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં મોટાભાગના બ્રિજ વાહનચાલકો માટે ખૂલ્લા મૂકી દેવામાં આવ્યા છે. 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે નિર્માણ પામી રહેલો શહેરનો પ્રથમ મલ્ટીલેવલ બ્રિજનું લોર્કાપણ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં એટલે કે 1લી મે આસપાસ કરી દેવામાં આવશે. તેવી ઘોષણા કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જો કે, બ્રિજનું નિર્માણ કામ હજુ 88 ટકા જ પૂર્ણ થયું છે.
ગર્ડર ચઢાવવાની કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે. 12 ટકા કામ હજુ બાકી હોય આગામી 1લી મેંએ કેકેવી ચોક બ્રિજનું લોર્કાપણ કરી શકાશે નહિં. તેવું કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા શહેરના પ્રથમ મલ્ટીલેવલ બ્રિજ એટલે કે હયાત બ્રિજ પર એક બીજો બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ કેકેવી ચોક સર્કલ ખાતે શરૂ કરવામાં આવી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 20, જાન્યુઆરી-2021ના રોજ આ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. બે વર્ષથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં વાહનચાલકો માટે હજુ આ બ્રિજ ખૂલ્લો મૂકી શકાયો નથી. સમય અવિધ વિત્યાને પણ 9 મહિના જેવો સમય વિતી ગયો છે.
રણજીત બિલ્ડકોમ નામની એજન્સીને કેકેવી ચોક મલ્ટીલેવલ બ્રિજ સહિત અલગ-અલગ ચાર બ્રિજના કામ સોંપવામાં આવ્યા હતા. જે પૈકી એજન્સી દ્વારા નિયત સમય મર્યાદા પહેલા જ રામદેવપીર ચોકડી બ્રિજ, જડ્ડુસ બ્રિજ અને નાનામવા સર્કલ બ્રિજનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. આ ત્રણેય બ્રિજ રાજકોટવાસીઓ માટે ખૂલ્લા મૂકી દેવામાં આવ્યું છે. થોડા સમય પહેલા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે સંભવત: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પૂર્વે કેકેવી ચોક મલ્ટીલેવલ બ્રિજનું લોર્કા5ણ કરી દેવામાં આવશે. બ્રિજમાં અલગ-અલગ 195 ગર્ડર મૂકવાના થાય છે.
જે પૈકી ચાર ગર્ડર મૂકવાની કામગીરી હજુ બાકી છે. આજ સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે તેવો વિશ્ર્વાસ કોર્પોરેશનના ઇજનેરો વ્યક્ત કરી રહ્યાં છે. રૂ.139 કરોડના ખર્ચે કાલાવડ રોડ પર પ્રિન્સેસ સ્કૂલથી લઇ કોર્પોરેશનના સ્વિમીંગ પુલ સુધીના 1150 મીટર વિસ્તારમાં આ બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. બ્રિજની પહોળાઇ 15.50 મીટરની છે. આજે ગર્ડર મૂકવાની કામગીરી પૂર્ણ થયા બાદ સર્વિસ રોડ અને પાણીની પાઇપલાઇન શિફ્ટીંગનું અધુરૂં કામ શરૂ કરવામાં આવશે.
હવે હોળીના તહેવારમાં વતનમાં ગયેલા મોટા ભાગના મજૂરો પરત ફરી ચૂક્યા હોવાના કારણે બ્રિજનું કામ છેલ્લા એકાદ સપ્તાહથી થોડું વેગવંતુ બન્યું છે પરંતુ બાકી રહેતું 12 ટકા કામ 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થાય તેવી કોઇ જ શક્યતા જણાતી નથી. ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં આ બ્રિજને વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી શકાશે નહિં. અંદાજે 15 થી 20 મે વચ્ચે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ આપવામાં આવશે.