વરસાદ પડે તો પણ 10મી સુધીમાં બ્રિજ કોર્પોરેશનને સોંપી દેવાની એજન્સીની ખાતરી: 20મી જુલાઇ સુધીમાં શહેરનો પ્રથમ એલીવેટેડ બ્રિજ વાહનચાલકો માટે ખૂલ્લો મૂકી દેવાશે
શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી સર્કલ ખાતે કોર્પોરેશન દ્વારા રૂ.129 કરોડના ખર્ચે રાજકોટના પ્રથમ એલીવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. અવાર-નવાર બ્રિજના લોકાર્પણ માટે તારીખો અપાયા બાદ હવે ફાઇનલ તારીખ આવે તેવી સંભાવના જણાઇ રહી છે. વરસાદ પડે તો પણ બ્રિજ 10મી સુધીમાં કોર્પોરેશનને સોંપી દેવાની ખાતરી એજન્સી દ્વારા આપવામાં આવી છે. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આવતીકાલે બ્રિજના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ આપી તેઓનો સમય માંગવામાં આવશે. 20મી જુલાઇ સુધીમાં વાહનચાલકો માટે બ્રિજ ખૂલ્લો મૂકી દેવાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જાન્યુઆરી-2021માં શહેરમાં એકસાથે પાંચ બ્રિજના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જે પૈકી સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ, નાના મવા સર્કલ બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ અને જડ્ડુસ ચોક બ્રિજ વાહનચાલકો માટે ખૂલ્લા મૂકી દેવામાં આવ્યા છે. કેકેવી સર્કલ ખાતે હયાત ઓવરબ્રિજ પર શહેરનો પ્રથમ એલીવેટેડ બ્રિજ બની રહ્યો છે. જેનું કામ પૂર્ણ થવા માટે અવાર-નવાર તારીખો જાહેર કરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર બ્રિજનું કામ પુરૂં થતું ન હતું. દરમિયાન તાજેતરમાં મ્યુનિ.કમિશનર આનંદ પટેલ સાથેની બેઠકમાં બ્રિજના કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોને આગામી 10મી જુલાઇ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાની ખાતરી આપી છે.
રૂ.129 કરોડના ખર્ચે બની રહેલા પ્રથમ એલીવેટેડ બ્રિજનું 98 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. આજ સાંજ સુધીમાં ડામરનું કામ પણ પૂર્ણ થઇ જશે. ત્યારબાદ સામાન્ય રંગરોગાન સહિતનું છૂટક કામ બાકી રહેશે. જે વધીને બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થઇ જશે. દરમિયાન આજે સાંજે અથવા કાલે સવારે મેયર ડો.પ્રદિપ ડવ બ્રિજનો હવાલો સંભાળતા સિટી એન્જીનીંયર અને કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરશે. જેમાં બ્રિજ ક્યારે તૈયાર કરી કોર્પોરેશન સોંપવામાં આવશે તેની સંપૂર્ણ વિગત મેળવી લેશે. આવતીકાલે બ્રિજના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ પાઠવવામાં આવશે અને તેઓની પાસે સમય લેવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ 10 થી 20 જુલાઇ વચ્ચે ગમે ત્યારે વાહનચાલકો માટે પ્રથમ એલીવેટેડ બ્રિજ ખૂલ્લો મૂકી દેવામાં આવશે.