કાર્યક્રમમાં શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ શહેર પોલીસ પૂર્વ વિભાગના એસીપી, મહિલા પોલિસ સ્ટાફ ખાસ હાજર રહ્યો: છેડતી બાબતે શેહ શરમ રાખ્યા વગર પોલીસ ફરિયાદ કરવી આવશ્યક
રાજકોટ શહેર પોલિસ દ્વારા આર.કે. યુનિ. ખાતે મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે કરાઈ હતી.
આ તકે રાજકોટ શહેર પોલીસના પૂર્વ વિભાગના એસીપી એચ.એલ. રાઠોડ તથા આજી ડેમ પો. સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. એમ.જે. રાઠોડ તેમજ આજી ડેમ પો.સ્ટે.નો મહિલા સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો.
આ તકે આર. કે. યુનિ.ની વિદ્યાર્થીનીઓને તથા હેડ પ્રોફેસર સહિતની ટીમે હોશે હોંશે ભાગ લીધો હતો.
આ તકે એસીપી રાઠોડ તથા ઈન્ચાર્જ પી.આઈ. એમ.જે. રાઠોડ દ્વારા વિદ્યાર્થીનીઓને વિકટ પરિસ્થિતિઓ સામે કઈ રીતે લડવુ
તથા સોશ્યલ મિડિયા થકી થતી સતામણીઓથી કઈ રીતે બચવું તેવી સમજણ તથા માર્ગદર્શન અપાયું હતુ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ સદેવ મહિલાઓની સુરક્ષા માટે કટીબધ્ધ રહેશે તેવી ખાતરી આપી હતી.
વિદ્યાર્થીનીઓને કાયદાનું જ્ઞાન થાય તે જરૂરી: એચ.એલ. રાઠોડ (એસીપી પૂર્વ)
એચ.એલ. રાઠોડ એસીપી પૂર્વએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત આજે આર.કે. યુનિ. ખાતે વિદ્યાર્થીની સાથેનો કાર્યક્રમ યોજાયો છે. આ તકે વિદ્યાર્થીનીઓને કાયદાનું ભાન થાય તેવા હેતુસર ધારાશાસ્ત્રીને પણ ખાસ હાજર રખાયા છે.
તેમણે શાળા કોલેજો પાસે રોમિયોગીરી કરતા તત્વો વિશે જણાવતા કહ્યું હતુ કે મહિલા પો.સ્ટેશન આ બાબતે સદૈવ કાર્યરત હોય છે. તેમ છતા અવાર નવાર રાજકોટ શહેર પોલિસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ સાથે થતી છેડતીનાં બનાવ અનુસંધાને તેમણે જણાવ્યું હતુ કે, હજુ મહિલાઓ આ બાબતની જાણ કરવામાં શેહ શરમ અનુભવે છે પરંતુ હુ રાજકોટ શહેર પોલિસવતી તેમને બાહેધરી આપુ છુ કે જે મહિલાઓ આ પ્રકારની બાબતની જાણ કરશે તેમની સંપૂર્ણ ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
મહિલાઓએ આગળ આવી હક્ક માટે લડવાની જરૂર :શીતલ પંડયા
અબતક સાથેની વાતચીતમાં પ્રો.શીતલ પંડયાએ કહ્યું હતુ કે મહિલા સશકિતકરણ માટે ગુજરાત સરકાર ખૂબજ સારી કામગીરી કરી છે. જેનો લાભ પણ થયો છે. પરતુ હજુ પણ મહિલાઓએ આગળ આવીને પોતાના હક માટે લડવાની જરૂર છે.
ઉપરાંત તેમણે શહેરની બહાર જઈને મહિલાઓના અભ્યાસ બાબતે તેમણે જણાવ્યું હતુ કે, હવે તેવું કઈ રહ્યું નથી હવે તે બાબત મહિલાઓ પર નભો છે કે તેમણે કઈ રીતે કોઈપણ વિકટ પરિસ્થિતિમાં લડવું.
ઉપરાંત શાળા કોલેજની બહાર રોમીયોગીરી કરતા તત્વો વિરૂધ્ધ આર.કે. યુનિ. દ્વારા કરાતી કાર્યવાહી બાબતે તેમણે જણાવ્યું હતુ કે, આ બાબતે રાજકોટ શહેર પોલિસ દ્વારા સતત પેટ્રોલીંગ તથા ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે તે ખૂબજ સરાહનીય કામગીરી છે. તેમજ જો આવો કોઈ કિસ્સો અમારા ધ્યાને આવે તો અમે પણ શહેર પોલીસને ત્વરીત ધોરણે જાણ કરીએ છીએ.
છેડતી સતામણીની શેહ શરમ વિના જાણ કરવી જોઈએ: પ્રોફેસર ભાવના અઢીયા
પ્રોફેસર ભાવના અઢીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આજની નારી સશકત છે ફકત તેમની અંદર રહેલી શકિતને બહાર કાઢવાની જરૂર છે. હાલ મહિલાઓ પોતાના હકની લડાઈ લડે જ છે. તેમણે જયારે કોઈપણ છેડતી કે સતામણી થાય ત્યારે કોઈપણ જાતની શેહ શરમ વિના પોતાના કુટુંબને તથા પોલીસને જાણ કરવી જોઈએ એટલે કોઈ વ્યકિત બીજીવાર આવી હિંમત કરે નહી.
મુસાફરી દરમિયાન અવાર નવાર યુવાનો યુવતીઓને અડે છે: ધારા
તેમણષ પોતાના અનુભવો અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, જયારે આપણે કોલેજમાં હોઈએ ત્યારે છોકરાઓ આજુબાજુમાં જોયા વિના ખરાબ શબ્દોનો ઉચ્ચાર કરતા હોય છે. તે મોટી સમસ્યા છેઉપરાંત મુસાફરી દરમિયાન કોઈપણ બહાને યુવતીઓને વારંવાર અડવુ તે ગંભીર બાબત છે.
સોશિયલ મીડિયા થકી અજાણ્યા સાથે વાત કરવાનું ટાળવું: કૃપાલી ગજેરા
ગજેરા કૃપાલી વિદ્યાર્થીનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સોશીયલ મીડીયાના માધ્યમથી થતી જાતીય સતામણણી બાબતે કહ્યું હતુ કે અજાણ્યા વ્યકતઓ સાથે વાતચીત ન કરવી જોઈએ પરંતુ જો કોઈ કારણોસર આવી ઘટના બને ત્યારે પરિવારે સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ નહી તેમના પર પ્રતિબંધ લાદવો જોઈએ.
કંઈ અજુગતુ બને તો પોલીસને જાણ કરવી: જોષી ખુશ્બુ (વિદ્યાર્થીની)
તેમણે જણાવ્યું હતુ કે તેઓ પોરબંદરથી અભ્યાસ અર્થે આવું છું ત્યારે મુસાફરી દરમિયાન ચોરી અથવા છેડતીનો ડર સતાવે છે. મેટાભાગે મારા પિતા મારી સાથે આવે છે પરંતુ જયારે પણ કોઈ અજુગતુ બને તો તરત જ પોલીસને જાણ કરવી એ મહત્વપૂર્ણ છે.
આર.કે. યુનિ.માં ખાસ વુમન્સ સેલની રચના કરાઈ છે: પ્રોફેસર
આ બાબતે આર.કે. યુનિ.ના અન્ય એક પ્રોફેસરે જણાવ્યું હતુકે, યુનિ. ખાતે ખાસ એક વુમન્સ સેલની રચના કરવામાં આવી છે જેમાં કોઈપણ વિદ્યાર્થીની સાથે થતી સતામણીનો ત્વરીત નિકાલ લાવવામાં આવે છે તથા જરૂર પડયે રાજકોટ શહેર પોલીસની મદદ લેવામાં આવે છે.
મુસાફરીમા અભદ્ર વર્તનનો ભોગ બનાય છે: દર્શના ડાભી
આર.કે. યુનિ.માં વુમન્સ સેલ બનાવામાં આવ્યું છે જે વિદ્યાર્થીનીઓને પડતી તમામ સમસ્યાનું નિરાકરણ લાવી આપે છે ઉપરાંત કોલેજ ખાતે એન્ટી રેગીંગ કમીટીનું પણ ગઠન કરાયું છે. જેના કારણે રેગીંગ થતુ નથી. તેમણે જણાવ્યું હતુ કે, જયારે મુસાફરી કરતા હોઈએ ત્યારે ઉંઘના બહાને યુવતીઓના ખંભે જાણી જોઈને માથુ ડાળી દેતા હોય છે જે ખૂબજ અભદ્ર છે.