IPL-2021માં સતત ચાર પરાજય બાદ આખરે KKRની ટીમે જીત મેળવી છે. અમદાવાદમાં રમાયેલી તેમની પહેલી મેચમાં KKRએ પંજાબ કિંગ્સને પાંચ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની બીજી મેચ જીતી હતી.
આ મેચમાં KKRના કેપ્ટન ઓએન મોર્ગને ટોસ જીતીને પંજાબને પહેલી બેટિંગ આપી હતી. પંજાબે પહેલી બેટિંગમાં ખરાબ પ્રદર્શન કરી માત્ર 123 રન જ બનાવી શકી હતી. KKRએ આ લક્ષ્યને હાસિલ કરતા 17મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.
આ જીતની પાછળ મહત્વનો ફાળો કપ્તાન મોર્ગન અને રાહુલ ત્રિપાઠીનો ગણી શકાય. ઓયેન મોર્ગને શાનદાર 47 રનનો ફાળો આપ્યો હતો. જ્યારે રાહુલ ત્રિપાઠીએ મુશ્કેલીના સમયમાં ટીમને 41 રનનો ટેકો આપ્યો હતો. KKRના કેપ્ટન ઓન મોર્ગન આ જીત બાદ ખુશ હતા. તેણે ટીમના સ્પિનરો અને શિવમ માવીની પ્રશંસા કરી.
મોર્ગને કહ્યું કે, ‘ટીમની કમાન સાંભળી મને સારું લાગે છે. અમે સખત મહેનત કરી છે. પરંતુ અમારે જેવું જોઈએ તેવું પ્રદર્શન કરી શક્યા ન હતા, પણ આજે અમારું પ્રદર્શન ખૂબ સારું હતું, ખાસ કરીને બોલરો. જે રીતે અમે મેચની શરૂઆત કરી અને ત્યારબાદ તેને જાળવી રાખી તે કમાલ હતું. ‘શિવમ માવીની આ બીજી મેચ હતી. તેણે ચાર ઓવર એક સાથે ફેંકી, ગેઇલની બેટિંગ રોકવા તેની ઓવર અમારા માટે સફળ સાબિત થઈ છે. હું તેને મેચ જીતવાનો સંપૂર્ણ શ્રેય આપવા માંગું છું.’
પંજાબ સામેની જીત બાદ હવે KKR પાસે ચાર પોઇન્ટ છે. આ મેચ જીત્યા બાદ KKR પોઇન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર પહોંચી ગઈ છે.