ઓસ્ટ્રેલિયા તરફથી પૂર્વ કપ્તાન સ્મિથે બે વર્ષ બાદ સદી ફટકારી મેન ઓફ ધ સિરીઝ બન્યો

સ્ટીવ સ્મિથની 12મી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ત્રીજા અને અંતિમ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 25 રને હરાવી ત્રણ મેચોની વનડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ હાસિલ કરી છે. યજમાન કાંગારૂએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટ પર 267 રન બનાવ્યા હતા અને કીવી ટીમને 49.5 ઓવરમાં 242 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે ત્રણ અને કેમરન ગ્રી તથા સીન એબોટે બે-બે વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપ્સ ટોપ સ્કોરર રહ્યો, જેણે 47 રનની ઈનિંગ રમી હતી. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ પોતાના કેપ્ટન આરોન ફિન્ચને વિજયી વિદાય આપી છે, તેની આ છેલ્લી વનડે મેચ હતી. ફિન્ચે પહેલા કહ્યુ હતુ કે તે ત્રીજી વનડે બાદ નિવૃત્તિ લઈ લેશે. ફિન્ચ ટી20 ટીમનો કેપ્ટન રહેશે અને ઓસ્ટ્રેલિયા તેની આગાવાનીમાં આગામી મહિને શરૂ થતાં ટી20 વિશ્વકપમાં ભાગ લેશે.

આ પહેલા પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે 105 રન બનાવ્યા હતા. સ્મિથે પોતાની ઈનિંગમાં 131 બોલનો સામનો કરતા 11 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. સ્મિથે આશરે બે વર્ષ બાદ વનડેમાં સદી ફટકારી છે. તેની વનડે ક્રિકેટમાં આ 12મી સદી છે. તેણે 127 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સ્મિથે માર્નસ લાબુશેન (52) સાથે ત્રીજી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી. સ્મિથે એલેક્સ કેરી (અણનમ 42) સાથે પણ 69 રનની ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ આ પહેલા પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 2 વિકેટે અને બીજી વનડેમાં 113 રને પરાજય આપ્યો હતો. સ્ટીવ સ્મિથ માટે આ સિરીઝ સારી રહી છે. તેને શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.