ઉતરાયણની મજાએ અનેકના જીવ તાળવે ચોંટાડયા

દોરીએ ૨૫ને ઈજા પહોંચાડી : ૫૦થી વધુ કબુતરોના જીવ લીધા: ૨૯૭ કબુતરો સહિત ૩૧૨ પક્ષીએ ઈજાગ્રસ્ત થયા

રાજકોટમાં ઉતરાયણનો તહેવાર લોહીયાળ બન્યો છે. ૧૫૦ ફૂટ રીંગરોડ પર વિપ્ર યુવકના ગળામાં દોરી અટવાય જતા લોહીયાળ ઈજા થવા પામી હતી. બનાવ સમયે સમયસર ૧૦૮ના પહોચતા રાહદારીઓએ પોતાની કારમાં વિપ્ર યુવકને હોસ્પિટલ ખસેડયો હતો, જો કે સારવાર મળેતે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. આ ઉપરાંત પતંગની ઘાતક દોરીના કારણે નાના-મોટા ૨૫ લોકોને ઈજા થવા પામી હતી. જયારે પતંગના દોરાએ ૫૦થી વધુ ભોળા પારેવડાના જીવ લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં પતંગનું પર્વ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહીયાળ બન્યું હતુ. જેમાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર ટેલીફોન એક્ષચેંજ પાસે ગળામાં પતંગનો દોરો ફસાતા ગળુ કપાઈ જતા ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા ૨૧ વર્ષનાં ઉત્સવ ચેતનભાઈ વ્યાસ ઉ.૨૧ને લોહીયાળ ઈજા થવા પામી હતી. બાઈક પરથી પટકાયેલા વિપ્ર યુવકના ગળામાંથી લોહીના ફૂવારા છૂટતા સ્થાનિક લોકો દોડી ગયા હતા અને ૧૦૮ને જાણ કરી હતી જો કે ૧૦૮ની એમ્બ્યુલન્સ સમયસર ન પહોચતા એક મહિલા રાહદારીએ પોતાની કારમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં ફરજ પરના ડો.ચિરાગ માત્રાવાડીયાએ સારવાર મળે તે પૂર્વે જ ગળાની નસ કપાઈ જતા મોત નિપજયાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. જીવલેણ દોરીના કારણે થયેલ અકસ્માતની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. વાળા, પી.એસ.આઈ. એ.વી.પીપરોતરા ઘટના સ્થળે દોડી ગયા બાદ ખાનગી હોસ્પિટલ દોડી ગયા વિપ્ર યુવકના મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જુવાનજોધ પુત્રનું મોત નિપજતા બ્રાહ્મણ પરિવારમાં આક્રંદ છવાયો હતો.

મૃતક ઉત્સવ વ્યાસએ કોરોના મહામારીના કારણે પોતાના ઘરે જ રહી ને ડીપ્લોમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો. ઉતરાયણ પર્વ નિમિતે પરિવારજનો સાથે બાસુંદીની લીજજત માણવા માટે ખરીદી કરવા ડેરીએ જતો હતો પરંતુ રસ્તામાં કાળ‚પી બનેલી દોરી ગળામાં પરોવાઈ જતા મોત નિપજયું હતુ. મૃતક ઉત્સવ બેભાઈમાં મોટો હતો.

જયારે પતંગની દોરીના કારણે વિમલ ભોજવીયા ઉ.૩૦ રહે. બેડીનાકા વિજય રણછોડ ઉ.૨૩, જેઠુસીંગ ગુમાનસીંગ ઉ.૪૩, જુનેદ સોયબ કુરેશી ઉ.૪, રહે. બજરંગવાડી, રફીક ઈસ્માઈલ ઉ.૪૦ ‚ખડીયાપરા, સમીરાબેન ઈકબાલ ઉ.૪૨, રહે. બજરંગવાડી, નવઘણ રાદાભાઈ ઉ.૪૨, રહે. શાસ્ત્રીનગર ૧૫૦ ફૂટરોડ, આરતીબેન રામભાઈ ઉ.૨૨ રહે. પરસાણાનગર, મહેશ ચંદાણી ઉ.૩૦ રહે. જામનગર રોડ, વાસુદેવ છતલાખી ઉ.૫૦, રહે. પરસાણાનગર, અહેમદઅલી ઉ.૧૨, રામનાથપરા મયૂર અરવિંદ ઉ.૮ નવાગામ, જગદીશ મજૂર ઉ.૩૦ રહે.લોધીકા, વિપુલ મગન ઉ.૫૦ રહે. ભારતીનગર, વિશાલ ચંદુ રહે. સિંઘી કોલોની, દેવર્શ પંકજ ઉ.૧૮ રહે. મનહર પ્લોટ, સુરે બલબહાદૂર ઉ.૧૯, રહે ભોમેશ્ર્વર, તોફીક ગફાર ઉ.૩૦, રહે. કોઠારીયા, સુરજ તિવારી ઉ.૧૮, માર્કેટીંગ યાર્ડને ગળાના ભાગે પતંગની દોરી અટવાઈજતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સવારથી સાંજ સુધીમાં ૨૫ લોકોને ઈજા થવા પામી હતી.

આ ઉપરાંત પતંગની ઘાતક દોરીના કારણે ૨૯૭ જેટલા કબુતરો સહિતક ૩૧૨ પક્ષીઓને ઈજા થઈ હતી. ૫૦થી વધુ કબુતરોનાં મોત નિપજતા પક્ષીપ્રેમીઓમાં ભારે કચાવટ ફેલાયો હતો. ઘણા પક્ષીઓની ડોક અને પાંખો કપાતા લોહીલુહાણ બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.