જાહેરનામાનો ભંગ કરનારની ડ્રોન કેમેરાથી નજર રખાશે
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરીજનોને ઉત્તરાયનો ઉત્સવ શાંતિપૂર્વક રીતે કોવિડના નિયમોનું પાલન કરીને ઉજવવા અપીલ કરી છે. ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી તે મુજબ રાજકોટ શહેરમાં તારીખ ૯ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી લોકો પતંગ ચગાવી શકશે. જાહેર રોડ-રસ્તા કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવવાની શહેરીજનોની સખ્ત મનાઈ છે. સોસાયટીમાં પણ જાહેર રોડ પર પતંગ ઉડાવવાની મનાઈ છે. સોસાયટીમાં માત્ર પોતાના જ પરિવારજનો સાથે લોકો પતંગ ઉડાવી શકાશે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, અગાસી પર માસ્ક પહેરવું ફરજિયાત છે, ધાબા પર ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ શહેરીજન નિયમોનો ભંગ કરશે તો તે વ્યક્તિ પર તેમજ સોસાયટીના ચેરમેન – સેક્રેટરી પર ગુન્હો દાખલ કરવામાં આવશે. ચાઈનીઝ તુકકલ, નાયલોનના દોરા વહેંચવાની સખ્ત મનાઈ છે. તેમજ ચાઈનીઝ તુકકલ ઉડાડવા પર પણ સખ્ત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જ્યારે જાહેર માર્ગો ઉપર કોઈ પણ વ્યક્તિ ઘાસચારો ખરીદ કરીને રસ્તા પર નાખી ગાયો-પશુઓ એકઠા કરી ટ્રાફીક અવરોધ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. ખાસ કરીને ઉત્તરાયણ તહેવારો દરમિયાન શહેર પોલીસ દ્વારા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા ચાપતી નજર રખાશે તે ઉપરાંત ડ્રોન કેમેરા ઉડાડી જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે.