રાજકોટ સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત: સરકારે નવા નાણાકીય વર્ષથી જમીન વેંચવા માટે મંજૂરીની ખાતરી આપી
જકાત નાબૂદી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાકીય સ્થિતિ કંગાળ બની પામી છે. ટેક્સની આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી. આવામાં વિકાસ કામો કરવાની વાત તો જોજનો દૂર રહી, લોકડાઉન બાદ રાજ્ય સરકાર દ્વારા પાલિકા અને મહાપાલિકાને ટીપી સ્કિમ અંતર્ગત પ્રાપ્ત થયેલી જમીન વેંચવા માટે મંજૂરી આપવામાં આવતી નથી. જેના કારણે બજેટના અંદાજો ખોટા પડી રહ્યા છે. મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારે આર્થિક સંકડામણ વેઠી રહી છે ત્યારે રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જમીન વેંચવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેવી કે મહાપાલિકા અને નગરપાલિકાઓને ટીપી સ્કિમ ફાઇનલ થયા બાદ અલગ-અલગ હેતુ માટે પ્રાપ્ત થતી જમીનનું સમયાંતરે વેંચાણ કરવામાં આવે છે અને તેમાંથી અલગ-અલગ વિકાસ કામો હાથ ધરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ટીપીની અનામત જમીન વેંચવાની મંજૂરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવામાં આવતી નથી. જેના કારણે બજેટના અંદાજો અને વિકાસ કામો પર પારાવાર અસર પડી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલના બજેટમાં જમીન વેંચાણનો 400 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જો કે સરકાર દ્વારા સતત બીજા વર્ષે પણ જમીન વેંચાણની મંજૂરી આપવામાં આવી ન હોવાના કારણે બજેટમાં મોટું ગાબડું પડે તેમ છે. કોર્પોરેશનને ટેક્સ પેટે વાર્ષિક રૂપિયા 300 કરોડ જેવી માંડ આવક થવા પામે છે. જેની સામે પગાર ખર્ચ જ 365 કરોડ જેવો થવા પામે છે.
નાણાકીય વર્ષ પુરૂં થવાના આડે હવે માત્ર બે મહિના જેવો સમય બાકી રહ્યો છે. ત્યારે મહાપાલિકાની તીજોરી હવે તળીયા ઝાટક થઇ જવા પામી છે. પગારના પણ ફાંફાં પડી રહ્યાં છે. ટેક્સની હાર્ડ રિક્વરી કરી જેમ-તેમ આવક ઉભું કરીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.
મહત્વપૂર્ણ પ્રોજેક્ટો નાણાના અભાવે અટકી પડ્યા છે ત્યારે હવે જો સરકાર જમીન વેંચવા માટેની મંજૂરી નહીં આપે તો આર્થિક સંકડામણ વધુ સર્જાશે. આવામાં તાજેતરમાં રાજકોટ સહિત રાજ્યની તમામ મહાપાલિકાઓ દ્વારા સરકાર સમક્ષ જમીન વેંચવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન નવી સરકારે પણ નવા નાણાકીય વર્ષથી જમીન વેંચવા માટે મંજૂરી આપીશું તેવી ખાતરી આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.