અપક્ષ ઝુકાવનાર કાસમભાઈ સુમરા અને એસ.પી. મુલતાનીએ પણ ઉમેદવારી પાછી ખેંચી
૬૫ મોરબી માળીયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નારાજ ઉમેદવાર કિશોર ચીખલીયાએ ગઈકાલે સમજાવટના અંતે ફોર્મ પાછું ખેંચતા કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી જશ્ન મનાવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ૬૫ માળીયા મોરબી બેઠક ઉપર દાવેદારી નોંધાવનાર મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોર ચીખલીયાએ ટીકીટ ન મળતા કોંગ્રેસમાં બગાવત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.જો કે આગેવાનોની સમજાવટને અંતે ગઈકાલે નારાજ કોંગી અગ્રણી કિશોર ચીખલીયાએ મોરબી માળીયા બેઠકના ઉમેદવાર બ્રિજેશ મેરજા, વાંકાનેર બેઠકના ઉમેદવાર મહમદ જાવીદ પીરઝાદા, પાસના આગેવાનો અને કોંગી અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું.
દરમિયાન મોરબી માળીયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પત્રકાર કાસમભાઈ સુમરા અને એસ.પી.મુલતાનીએ પણ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું.અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન આપ્યું હતું.
આમ, કિશોર ચીખલીયાએ ઉમેદવારી પાછી ખેંચવાની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં કાસમભાઈ સુમરા અને એસ.પી.મુલતાનીએ પણ ફોર્મ પાછા ખેંચી લેતા મોરબી માળીયા બેઠકનું ચિત્ર બદલાશે.જો કે આજે કિશોર ચીખલીયાએ ફોર્મ પરત ખેંચતા જ ગેલમાં આવેલી કોંગી અગ્રણીઓએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી કોંગ્રેસને એક બની જીત અપાવવા નીર્ધાર કર્યો હતો.