માણાવદરના ચોથા વર્ગના કર્મચારી કરે છે અનોખી સેવા
નિરાધારોની સુશ્રુષા, ભોજન વ્યવસ્થા અને સ્વાસ્થ્ય વગેરે સેવાકીય પ્રવૃતિ કરતા મસીહા
મુળ માણાવદર તાલુકાના રફાળા ગામનાં વતની અને નગરપાલીકામાં ચોથાવર્ગનાં કર્મચારી તરીકે સેવા કરતા કીરીટભાઇ બારોટે નજીવો શૈક્ષણીક અભ્યાસ કરી બાટવાની નગરપાલીકામાં નવ વર્ષ અગાઉ પટાવાળાની નોકરી સ્વીકારી પરીવારની આર્થિક જવાબદારીમાં જોડાયા, પણ કીરીટભાઇને તો માત્ર માતા-પિતા જ પરિવાર નહોતો, પણ આખુ ગામ તેનો એક પરીવાર હતો, બસ આ વિચાર માત્રથી કીરીટભાઇએ ગરીબો અને ભુખ્યાની સેવાનો મનસૂબો મનોમન ઘડી કાઢ્યો, ગામમાં એવા કોણ અને કેટલા વ્યક્તીને જમવાનું મળતુ નથી, કેટલા પાગલ અવ્યવસ્થિત રખડે છે, કેટલા નિરાધાર, ગરીબ વૃધ્ધોની શારીરીક અને આર્થિક સ્થીતી નબળી છે તેની તપાસ કરતા આ યુવાનનુંં હૈયું દ્રવી ઉઠયુ અનેે વૃધ્ધ, અશક્ત, ગરીબો અને પાગલોની સેવા કીરીટભાઇને હૈયે લાગી ને બસ દરરોજ નિયમિત તેમને ખવડાવવા, નિયમિત સ્નાન કરી સુધડ વસ્ત્રો પ્રદાન કરવાની કામગીરી કરવાની શરૂઆત કરી અને આ પ્રવૃતિમાં ગામનાં સમાજશ્રેષ્ઠીઓનો સહયોગ સાંપડતો ગયો. આજે ૪૦ જેટલા ટીફીન ઘરે ઘરેથી મેળવીને જરૂરીયાતમંદ વ્યક્તિને ભોજન પીરસીને કીરીટભાઇ જમાડે છે. સાથે પાગલ વ્યક્તિને બાલદાઢી કરવા, તેને સ્નાન કરાવી સુઘડ વસ્ત્રો પહેરાવવાની કામગીરી તો ખરી.
આ તો થઇ કીરીટભાઇ બારોટની લોકસેવાની દૈનીક પ્રવૃતિ, પણ તાજેતરમાં માણાવદર તાલુકાનાં ખાંભલા ગામે બાળપણમાં માતા અને પિતાની છત્રછાંયા ગુમાવનાર દિવ્યાબેન શિંગરખીયા મામા રવજીભાઇ સાથે રહી મોટી થઇ, લગ્નનો સમય આવ્યો પણ મામાની આર્થિક સ્થિતી મુંજવણભરી હતી. ત્યાંરે કીરીટભાઇ બારોટ સુધી દિવ્યાબેનનાં લગ્નનાં ખર્ચની મુંજવણ જાણવા મળી, તો એકપળનાં વિલંબ વગર બાંટવાનાં ભામાશા જેવા વ્યાપારીઓને વાત રજુ કરી, કીરીટભાઇ દલીત બાળાનો ભાઇ બની, તેમનાં સઘળા લગ્ન ખર્ચને પહોંચી વળાય તેટલી વ્યવસ્થા સાથે કર-કરીયાવર તથા સોના-ચાંદીનાં આભુષણ બનાવી ઉમંગથી બહેનને સાસરે વળાવી હતી.
કીરીટભાઇ એ જણાવ્યું હતું કે, સુખમાં તો સૈા સાથે હોય, મિત્રો-પરિવાર અને સ્વજનોનોની હુંફ હોય છે. પણ જેનું કોઇ નથી તેના માટે કઇંક કરી છુટવુ એ જ તો આપણો ધર્મ છે. આથી જ તો હું પરબનાં સતદેવીદાસ બાપુ અને માં અમરમાંનાં સેવા-સમર્પણમાંથી એટલુ શીખ્યો છુ કે બે ટંક ખાવાનું મળે કે ના મળે પણ મારા ગામમાં કોઇ ભુખ્યો સુવો ના જોઇએ. ખાંભલાની દિકરીબેનને ભાઇ નહોતો આજે હું મારી તેનો ભાઇ બની જે ફરજ પુર્ણ કરવા ઈશ્વરે નિમિત્ત બનાવ્યો અને તેમાં બાટવાનાં શ્રેષ્ઠીઓનો સહયોગ મળ્યો એ જ સતયુગની સાક્ષી છે.
જો કે, શરૂઆતમાં લોકો અને સ્નેહીજનો આ પ્રવૃત્તિને મારૂં પાગલપન સમજતાં, પરંતુ આજે સમાજના મોટા-મોટા લોકો તરફથી મને સહકાર અને પ્રોત્સાહન મળી રહ્યું છે. લાગે છે કે હું જે કરૂ છુ તે પ્રભુને ગમતું હશે.
વધુમાં બાટવાના વેપારી એસોશીયેશન, નગરપાલીકાનાં પ્રમુખ, ચિફ ઓફીસર અને તંત્રનાં વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ મારા સાથીદારો અને સમાજના આગેવાનો દ્વારા અમને મળતું પ્રોત્સાહન પ્રાણ પૂરે છે.