યાર્ડની તમામ ૧૬ બેઠકો પર ભાજપનો કેસરીયો
કોંગ્રેસના સુપડા સાફ કરી ચારે-ચાર બેઠકો બિનહરીફ: માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતિથી વિજય
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તમામ ૧૬ બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો હતો. કોંગ્રેસના સુપડા સાફ થયા બાદ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતિથી વિજય થયો હતો. ચૂંટણી પહેલા જ વેપારી પેનલની ચારે-ચાર બેઠકો બિનહરિફ હાંસલ કર્યા બાદ ખેડૂત વિભાગની ૧૦ અને ખરીદ-વેંચાણ સંઘની ૨ મળીને ૧૨ બેઠકની ચૂંટણીમાં પણ ભાજપની પેનલ વિજય બની હતી અને તમામ ૧૬ ડિરેકટરો ભાજપની પેનલના ચૂંટાઈને આવ્યા હતા. ૧૬ ચૂંટાયેલા અને બે સરકારના પ્રતિનિધિ જેમાં જિલ્લા રજીસ્ટ્રાર અને જિલ્લા ખેતીવાડી અધિકારી મળીને ૧૮ સભ્યોએ યાર્ડના ચેરમેન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન પદે હરેશ ગજેરાની વરણી કરી હતી. બન્નેએ યાર્ડની ઉત્તરોતર પ્રગતી થાય અને વહીવટમાં પણ પારદર્શકતા જળવાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તેવા પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમા જુનાગઢ માર્કેટીંગ યાર્ડની ચુંટણી યોજાઇ હતી, જે ચુંટણીમા પ્રથમથી જ કિરીટ પટેલની આગેવાનીવાળી ભાજપા પ્રેરીત પેનલના વેપારી વિભાગના ૪ ઉમેદવારો બિન હરીફ ચુંટાયેલા જાહેર થયા હતા, અને બાદમા યોજાયેલી ચુંટણીમા કોંગ્રેસ પ્રેરીત પેનલના સુપડા સાફ કરી, કિરીટ પટેલની પુરી ટીમ વિજેતા બની હતી. તથા તમામ ૧૬ બેઠકો હાસીલ કરી, ભવ્ય વિજય મેળવ્યો હતો.