Table of Contents

વિજયભાઈને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ અપાવ્યું તેનું કોઈ ખાસ કારણ પણ જાહેર ન થયું : કોરોના, જ્ઞાતિવાદી રાજકારણ કે કિરણ પટેલ આ ત્રણમાંથી કયો વાયરસ વિજયભાઈને નડી ગયો તે અંગે મતમતાંતર

કિરણ બે વખત વિજયભાઈ રૂપાણી વિરુદ્ધના પુરાવા તેની પાસે હોવાના દાવા સાથે એક ખ્યાતનામ મીડિયા હાઉસમાં પહોંચ્યો હતો, ત્યારે તેને ભવિષ્ય પણ ભાખી દીધું કે પીએમઓ ઓફિસમાં ફરિયાદ કરી હોવાથી ટૂંક સમયમાં તેઓને બરતરફ કરાશે

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ક્યાં કારણોસર રાજીનામુ લેવાયું તે હજુ પણ સામે આવ્યું નથી. એવી પણ વાત હતી કે કોરોનાની સ્થિતિના કારણે રાજીનામુ લેવાયું હતું. પરંતુ મહાઠગ કિરણ પટેલ પ્રકરણમાં પણ એવો ઘટસ્ફોટ થયો છે કે તેને પણ વિજયભાઈ રૂપાણી સામેના પુરાવા સાથે પીએમઓમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત જ્ઞાતિ જાતિના રાજકારણની પણ અટકળો ચાલી રહી છેતેવામાં આ ત્રણમાંથી કયું એક ચોક્કસ કારણ છે તે હજુ સુધી જાણી શકાતું નથી.

ગુજરાતના મહાઠગ કિરણ પટેલના પ્રકરણમાં અનેક નવા ફણગાઓ ફૂટી રહ્યા છે. તેમાં વળી નવું એક ફણગુ એ ફૂટ્યું છે કે કિરણ પટેલે ભૂતકાળમાં એક મીડિયા હાઉસને એવું જણાવ્યું હતું કે તેમને તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ વિરુદ્ધ પુરાવા સાથે ફરિયાદ કરી છે એટલે ટૂંક સમયમાં તેને બરતરફ કરવામાં આવશે. આ નવા ઘટસ્ફોટથી એ પ્રશ્ન ઉદ્દભવ્યો છે કે શું રૂપાણી સરકારને “પાડી” દેવામાં કિરણનો હાથ છે ?

જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે સરકારી ઠાઠ માઠ માણવાના પ્રકરણમાં કિરણ પટેલની ધરપકડ થઈ છે. આ કિરણ પટેલે વર્ષો સુધી ડો. કિરણ પટેલ, એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈન), પીએમઓ , નવી દિલ્હી લખેલું વિઝિટિંગ કાર્ડ બતાવીને મોભો ઉભો કર્યો હતો. જો કે એમનમ પીએમઓના નામે ચરી ખાવું સહેલું નથી. આ માટે તેને મોટા ગજાનો ટેકો મળતો હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

હાલ એક નવો ઘટસ્ફોટ થયો છે કે કિરણ પટેલ એક વખત કાગળોથી ભરેલા બોક્સ લઈને અમદાવાદના એક ખ્યાતનામ મીડિયા હાઉસમાં પહોંચ્યો હતો. જો કે આ મીડિયા હાઉસને અગાઉથી જ કિરણ પટેલને શંકાસ્પદ ગણતું હોય, તેને વધુ ગાંઠતું ન હતું. આ મીડિયા હાઉસમાં કિરણ પટેલે દાવો કર્યો હતો કે મારી પાસે દસ્તાવેજો છે જે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં થયેલા કૌભાંડોના પુરાવા છે. જો કે તેને કોઈ દસ્તાવેજ બતાવ્યા ન હતા. આ ઉપરાંત તે બીજી વખત મીડિયા હાઉસ એ પહોંચ્યો હતો.

આ વખતે તે પેન ડ્રાઈવ લઈને આવ્યો હતો. તેને વિજય રૂપાણી સરકારમાં કોમ્પ્યુટર વિભાગમાં કામ કરતી વ્યક્તિ વિશે જણાવ્યું.  તેણે દાવો કર્યો હતો કે તે વ્યક્તિનો પુત્ર તેના પિતાના નામ અને સંદર્ભનો દુરુપયોગ કરી રહ્યો હતો.  જેઓ ઈઝરાયેલના સંરક્ષણ સાધનોના ઉત્પાદક અને અત્યાધુનિક સંચાર પ્રણાલીના વિકાસકર્તાઓ સાથે કામ કરતા હતા. આ વેળાએ કિરણ પટેલે કોઈપણ પુરાવા આપવાનો ઇનકાર કર્યો હતો. આ સમયે કિરણ પટેલે એવું કહ્યું હતું કે તમે રાહ જોવો, વિજય રૂપાણીને ટૂંક સમયમાં બરતરફ કરવામાં આવશે.  મેં પીએમઓને રિપોર્ટ મોકલી દીધો છે.

હવે કિરણ પટેલનો આ કિસ્સો એવી શંકા પણ ઉપજાવે છે કે વિજયભાઈની સરકારને પાડી દેવામાં તેનો હાથ તો નથી ને ? કિરણ પટેલ એક ઠગ હતો એ હકીકત છે પણ તેને મોટા લોકોનો ટેકો હોવો એ વાતમાં જરા પણ શંકા ઉપજે એવી નથી. ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના તેમજ ખાસ કરીને રાજકોટમાં વિકાસની હારમાળા સર્જી હતી. તેવામાં તેઓનું ઓચિંતું રાજીનામુ લઈ લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. વિજયભાઈની સરકાર બદલી તેને ઘણો સમય થઇ ગયો પણ તેના રાજીનામાં અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

તેવામાં મહાઠગ કિરણ પટેલના પ્રકરણમાં વિજયભાઈ રૂપાણીની કડી જોડાતા હવે એ પ્રશ્ન સર્જાયો છે કે શું ઠગ કિરણ પટેલ જ વિજયભાઈ રૂપાણીના રાજીનામાં પાછળ કારણભૂત છે જો આ વાતમાં તથ્ય હોય તો એ પણ હકકિત હોય કે કિરણ પટેલને ગાંધીનગર અને દિલ્હીથી મોટો ટેકો હોય શકે છે. કારણકે એકલા કિરણ પટેલનું ગજું નથી કે તે સરકાર ઉથલાવી શકે. હાલ કિરણ પટેલના પ્રકરણમાં કડક હાથે તપાસ કરવામાં આવે તો અનેક કનેક્શનો ખુલે તેવી શક્યતા સેવાઇ રહી છે.

કિરણની પાછળનો ગબ્બરસીંગ કોણ ?

કિરણ તો એક મહોરું છે. તેનું એકલાનું ગજું નથી કે તે પીએમઓનો અધિકારી હોવાનું જણાવીને ઠાઠ માઠ મેળવી શકે. પણ કિરણ પટેલને ચોક્કસ કોઈ મોટું પીઠ બળ હોય તો જ આવું શક્ય બને. એટલે હવે પ્રશ્ન એ થાય છે કે કિરણ પટેલ પાછળનો ગબ્બરસીંગ કોણ છે ? શું સરકાર તેને ઉઘાડો પાડી શકશે ?

કિરણને લઈ કોંગ્રેસ ગેલમાં સરકારનું ભેદી મૌન

કિરણ પટેલને લઈને સરકારનું ભેદી મૌન છે. હિતેશ પંડ્યાએ પણ જાતે જ રાજીનામુ આપી દીધું છે. જો કે સરકારે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસ પણ સરકારમાં બેઠેલા નેતાઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. હાલ ચર્ચામાં આવેલા કિરણ પટેલના મુદ્દાને લઈને વિપક્ષ પણ ગેલમાં આવી ગયું છે.

એક સમયે કિરણ પટેલ તૂટેલા ચપ્પલ પહેરતો

રાજકીય આગેવાન બિમલ શાહે જણાવ્યું હતું કે તેઓ પટેલને “બંસી” તરીકે ઓળખે છે, જે મણિનગરના રહેવાસી હતા.  શાહે કહ્યું કે પટેલને ફાટેલા ચપ્પલમાં જોઈને તેમના કાશ્મીરની તસવીરો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના નામની આગળ ડોક્ટર ક્યાથી લાગ્યું તે પણ સમજાતું નથી.

દિલ્હીની ફ્લાઈટમાં કિરણ પટેલ માટે પ્રથમ હરોળની સીટ બ્લોક રહેતી!

નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા અને નવી દિલ્હી ગયા તે પહેલાં, અમદાવાદને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડતી 33 સીધી ફ્લાઇટ્સ હતી.  2014 પછી આ સંખ્યામાં ઝડપથી વધારો થયો.  આ દરેક ફ્લાઇટમાં, સીટ 1એ કિરણ પટેલ માટે બ્લોક કરવામાં આવતી હતી.  એરલાઇન્સ દ્વારા તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું.

  કિરણના ડિંગા  

હું તમારી કાર લિફ્ટ નહિ લઈ શકું, કારણકે હું ખુફિયા મિશન ઉપર છું

અમદાવાદના એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જણાવે છે કે  તેમણે એકવાર કિરણ પટેલને નવી દિલ્હી એરપોર્ટથી ગુજરાત ભવન સુધીની લિફ્ટ ઓફર કરી હતી. ત્યારે કિરણ પટેલે એમ કહ્યું કે હું તમારી લિફ્ટ નહિ લઈ શકું કારણકે હું એક ખુફિયા મિશન ઉપર છું. જો કે આ ડીંગો હતો કે સાચું હતું. તે વિશે હજુ પણ આ ધારાસભ્ય માથું ખંજવાળે છે.

કોરોનાની સ્થિતિ મામલે પીએમ ગુજરાતથી નારાજ, મને વિશેષ ધ્યાન રાખવા કહ્યું છે

કોરોના કાળમાં કિરણ પટેલ સૌને એવું કહેતો કે હું એક ગુજરાતી છું અને રાજ્યમાં કોરોનાને જે રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યો છે તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ નાખુશ છે. આરએસએસ પણ ગેરવહીવટથી નારાજ છે. તેને ચાર વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. જેમાં ડોકટરો, અધિકારીઓ, પત્રકારો અને હોસ્પિટલના પ્રતિનિધિઓ સામેલ હતા. તે તેવું દર્શાવતો કે રાજ્યમાં કોવિડ સંકટને નિયંત્રણમાં લાવવા માટે પીએમ મોદીના કહેવા પર તે કામ કરી રહ્યો છે.

મારે એક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સ્થાપવી છે, જેના ચાન્સેલર ખુદ પીએમ બનશે!!

કિરણ પટેલ કહેતો કે તેમનું એક સપનું ગુજરાતમાં એક યુનિવર્સિટી સ્થાપવાનું છે. જ્યાં 190 દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. અલબત્ત, યુનિવર્સિટીના ચાન્સેલર વડાપ્રધાન હશે. આ અંગેની યોજના તેને અનેક વ્યક્તિઓ સાથે ચર્ચા પણ કરી હતી.

સી.સિતાપરા નામના વધુ એક રાજકોટના વ્યક્તિનું કિરણ પટેલ સાથે કનેક્શન!

કિરણ પટેલના કાંડમાં કાશ્મીરમાં તેની સાથે રહેતા એક વ્યક્તિની ઓળખ અમિત પંડ્યા તરીકે થઈ છે.  તેના પિતા હિતેશ પંડ્યા  મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી હતા. જો કે પુત્રનું નામ ખુલ્યા બાદ તેને રાજીનામુ પણ ધરી દીધું હતું. પણ કાશ્મીરમાં તેની સાથે અન્ય એક વ્યક્તિ સી. સીતાપરા પણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સી.સિતાપરા રાજકોટના વેપારી હોવાનું જાણવા મળ્યું છે.

સરકાર ઉચ્ચ તપાસ કરાવશે ?

કિરણ પટેલ પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપીને વર્ષોથી જાહેર જીવનમાં કાર્યરત હતો. તે અનેક જગ્યાએ પોતે ઉચ્ચ અધિકારીનો મોભો ઉભો કરીને ફરતો રહેતો હતો. જો કે આવું કોઈ મોટા વ્યક્તિના સાથ વગર શક્ય જણાતું નથી. માટે સરકાર આ મામલે ઉચ્ચ તપાસ કરાવી શકશે કે કેમ ?

પીએમઓની ભાગીદારી ખુલ્લી ન પડે તેવા પ્રયાસો : વિપક્ષનો આક્ષેપ

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે ડબલ એન્જિન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર હોય એવું આખી દુનિયાએ જે જોયું અને આ મુદ્દાને લીધે ગુજરાત તથા ગુજરાત સરકારની છબિ ખરડાઈ છે. ચાવડાએ આક્ષેપ કરીને ઉમેર્યું હતું કે આ ઉપરાંત આ મુદ્દે મુખ્યપ્રધાન જવાબ આપે એની માગણી કરવાના હતા. સરકાર ચર્ચામાંથી ભાગવા માગે છે? આ કિસ્સામાં સરકાર શું છુપાવવા માગે છે? કે કોંગ્રેસને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.બીજી તરફ મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ચર્ચામાં ન આવે અને આખીયે આ ઘટનામાં પીએમઓની ભાગીદારી ખુલ્લી ના પડે એ માટે કોંગ્રેસપક્ષને સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.