- જાણો…મનુષ્યની ત્રીજી જાતિ કિન્નરો વિશે રોચક તથ્યો
- કિન્નરોનાં આશિર્વાદ મળી જાય તો થઈ જાય છે બેડો પાર !!
આધુનિક વિચારધારાનો હાલનો સમાજ દંભ રાખી રહ્યો છે પરંતુ આ સમાજ કિન્નરોને સમાજનો હિસ્સો ગણવામાં ખચકાઈ રહ્યો છે. માનવ અધિકારને નેવે મુકીને કિન્નરો સાથે વ્યવહાર કરવામાં આવે છે, તેમજ તેમને તરછોડવામાં આવે છે. જો કે, ઈતિહાસમાં કિન્નરોને પૂજનીય સ્થાન અપાયું છે. દરેક શુભ પ્રસંગોમાં તેમના આશિર્વાદ હંમેશા લેવામાં આવતા હતા. આ ઉપરાંત વિકસીત દેશોમાં પણ કિન્નરોને સમાજનો એક હિસ્સો માની તેને એક સામાન્ય માણસની જેમ જ જીવવા દેવામાં આવે છે.
પરંતુ હાલના સમયમાં અહીં કિન્નરોને સમાજથી અલગ રાખવામાં આવે છે. કિન્નરોની સમસ્યાઓ તેમજ તેમના રહસ્યમય જીવન અંગે આ લેખમાં વિગતવાર જાણકારી આપી છે. કિન્નરો ક્યાં રહે છે? તેમની દફનવિધિ ક્યાં કરાય છે ? જેવા અનેક પ્રશ્નો આપણને થતા હોય છે,અને આજે લોકો તેમની જીવનશૈલી અને પરંપરા વિશે જાણવા માંગે છે.
આધુનિક વિચારધારાનો દંભ રાખતો સમાજ કિન્નરો પ્રત્યે ઓરમાયુ વર્તન કરી પોતાના પછાતપણાની પ્રતિતિ કરાવે છે: હજુ પણ કિન્નરોને રહેવા માટે ઘર અને પગભર થવા માટે નોકરી અપાતી નથી
વિકસીત દેશો પાસેથી શીખ લેવા જેવી, ત્યાં કિન્નરોને સમાજનો એક હિસ્સો માનવામાં આવે છે, અને તેની સાથે કોઈપણ પ્રકારના મતભેદ થતા નથી: ભારતનો ભવ્ય ઈતિહાસ પણ સાક્ષી છે, કે કિન્નરોને હંમેશા પૂજનીયનો દરજ્જો અપાયો છે
શિક્ષણ અને કારકિર્દીનીને કેવી રીતે જોવામાં આવે છે ?
કિન્નરોના ગુરૂ કિન્નરોને ભણવા માટે છુટ આપે છે પરંતુ મોટાભાગના કિન્નરો ભણતા નથી કારણ કે, ભણી ગણીને પણ તેમને નોકરી તો કોઈ આપવાનું નથી.
કિન્નરોની દિનચર્યા ?
પહેલાના સમયમાં દરબારગઢો હતા જ્યાં રાણીની દાસી તરીકે કિન્નરો કામ કરતા હતા. રજવાડા ચાલ્યા ગયા એટલે કિન્નરો વસ્તીમાં રહેવા આવી ગયા. અહીં કિન્નરો ભિક્ષુક જીવન જીવવા લાગ્યા. અમે સવારે 4 વાગ્યે ઉઠી જઈએ છીએ. ઘરની સાફ સફાઈ કરી 6 વાગ્યે બહાર જતા હોઈએ છીએ અને 10 વાગ્યે ઘરે પરત ફરતા હોય છીએ અને ત્યારબાદ બહાર નીકળતા નથી.
કિન્નરો પોતાના પરિવાર પાસે જઈ શકે કે નહીં ?
કિન્નરોને પણ પોતાના મા-બાપ, ભાઈ-બહેનને મળવાની ઈચ્છાઓ થતી હોય છે ત્યારે તેઓ પોતાના ગુરુને કહે છે. ગુરુ તેઓને 10 થી 15 હજાર રૂપિયા આપે છે અને પરિવારને મદદરૂપ બનવાનું કહે છે પરંતુ કોઈ માતા-પિતા કિન્નરો પાસેથી પૈસા લેતા નથી. કિન્નરો પોતાના પરિવારને મળવા જાય છે. ઉપરાંત પોતાના મોસાળ સહિતના સગા-વ્હાલાને ત્યાં પણ જાય છે. થોડા દિવસ રોકાય છે ત્યાં સગા-સંબંધીઓ સાથે અને જૂના મિત્રો સાથે થોડો સમય પસાર કરે છે.
કિન્નરોની અંતિમ ક્રિયા કઈ રીતે થાય છે ?
વડિલો કહેતા કે કિન્નરોને પહેલા ઘરમાં જ દફનાવવામાં આવતા હતા. હવે જગ્યાના અભાવે કબ્રસ્તાનમાં કિન્નરોની દફનવિધિ કરવામાં આવે છે. મૈયતમાં બન્ને બાજુ કિન્નરો જ હોય છે અને વચ્ચે જનાજો રાખવામાં આવે છે. આ જનાજો ચાલીને લઈ જવામાં આવે છે. જેથી કોઈને ખબર ન પડે કે આ જનાજો છે.
જનાજાને ચપ્પલ મારવાનું કારણ શું ?
કિન્નરોના જનાજાને વડીલો ચપ્પલ મારતા હોય છે, જેની પાછળનું કારણ એ છે કે, વડીલો એવું નથી ઈચ્છતા કે આગલા જન્મમાં ફરી તે મૃત વ્યક્તિ કિન્નર બનીને જન્મ ન લે, કિન્નર તરીકે તે ફરી ન જન્મે તે માટે જનાજાને ચપ્પલ મારવાની માન્યતા છે.
આર્થિક ઉપાર્જન માટે શું કરવામાં આવે છે ?
કિન્નરો આર્થિક ઉપાર્જન માટે ભિક્ષાવૃતિ કરે છે, કિન્નરોને કોઈ નોકરીએ રાખતું ન હોય માટે ભિક્ષાવૃતિ ઉપર જ તે નભતા હોય છે.
પ્રસંગોમાં જવા વિશે શું કહેશો ?
કિન્નરો પ્રસંગોમાં જાય છે ત્યાં જઈને ભિક્ષા લેવાનો કિન્નરોને હક્ક છે. પહેલાના વડીલો આ વાતને બરાબર રીતે સમજતા હતા પરંતુ હાલની પેઢી આ વાતી અજાણ હોય જેથી કિન્નરોને તકલીફ પડે છે. કિન્નરો અહીં ભિક્ષા લઈને આશિર્વાદ આપે છે. ઘણી વખત પ્રસંગોમાં કિન્નરોની હસી મજાક ઉડાવવામાં આવે છે અને ગેરવર્તન પણ કરવામાં આવે છે.
ભિક્ષાવૃતિ માટે વિસ્તારના ભાગ પાડવામાં આવે છે કે કેમ ?
રાજકોટમાં કિન્નરોના ત્રણ મઢ છે, ત્રણેય મઢ માટે ભાગ પાડવામાં આવે છે. જે તે મઢના કિન્નરો જે તે વિસ્તારમાં જ ભિક્ષાવૃતિ કરી નભે છે, આવી રીતે વિવિધ શહેરોમાં પણ તેમના મઢ હોય છે.
કિન્નરનો મુળ પરિવાર ધનાઢય હોય તો તેનો વારસો મઢને મળે છે ?
કિન્નરનો મુળ પરિવાર ભલે ધનાઢય હોય અને તે કિન્નરને વારસામાં કઈ પણ આપતો હોય છતાં તે લેવામાં આવતું નથી. કારણ કે, કિન્નરનો પરિવાર તેનો મઢ જ રહે છે. હા, ગુરુનું જે છે તે કિન્નરને વારસામાં મળે છે.
કિન્નરો કયો તહેવાર ઉજવે છે ?
બહુચરાજી ખાતે ભાદરવી અમાસનો ખાસ મેળો ભરાય છે જ્યાં બધા કિન્નરો એકઠા થાય છે અને ત્યાં ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યાં રવેડી અને ગરબાના આયોજનો થાય છે.
નકલી કિન્નરો સામે શું કાર્યવાહી કરવામાં આવે ?
અમે સરકારને રજૂઆત કરતા આવ્યા છીએ કે નકલી કિન્નરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકોટમાં દરેક કિન્નરોને કાર્ડ આપવામાં આવ્યા છે. જેનાથી તેની ઓળખાળ થઈ શકે છે. વધુમાં જો કોઈ નકલી કિન્નર પકડાય તો તેને કિન્નરો મારતા હોય છે,કે ઝગડા થતા હોય છે.
કિન્નરોનાં આશિર્વાદ મળી જાય તો થઈ જાય છે બેડો પાર !!
કિન્નરોની દુનિયા હજારો રહસ્યોથી ભરેલી છે. કિન્નર સમુદાય વિશે આપણે ઘણુ ઓછું જાણીએ છીએ કેટલાક રહસ્યો તો આજે પણ દૂનિયાથી અજાણ છે.
કિન્નરો આપણા શુભ પ્રસંગો તહેવારોમાં આપણે ત્યાં આવી જાય છે કે આપણે તેને બોલાવતા હોય છીએ જો તેના આર્શિવાદ મળી જાય તો આપણો બેડો પાર થઈ જતો હોય છે.એવી લોકોમાં માન્યતા છે. તેનાથી આપણા પર ધનવર્ષા થઈ જાય છે.અમે પણ લોકવાયકા છે. તેની દૂનિયા બહારથી ઘણી અલગ છે તેનાથી વધુ અંદર એટલી જ રહસ્યમય છે. તમને જો કોઈ કિન્નરના આર્શિવાદ મળી જાય તો તમે કયારેય કંગાળ નથી થાતા તમારા સુતેલા કિસ્મત જાગી જતા હોય છે. જો સુખી થવુ હોય તો કિન્નરને કયારેય દુ:ખી ના કરવા જોઈએ એવું મનાય છે. એ જયારે તમારી પાસે પૈસા માંગવા આવે ત્યારે તેને દુ:ખી કરીને ન જવા દેતા નહીંતર તમે દુ:ખી થઈ જશો. કહેવાય છે કે કિન્નરના આર્શિવાદથી ભાગ્યમાં વૃધ્ધી થાય છે. તેના પાસેથી સિકકો લઈને પાકિટમાં રાખવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.
તેને જતી વખતે ફરી આવજો એવા શબ્દો બોલવાથી તમારી રીધ્ધી સિધ્ધિ વધે છે. તેવી માન્યતા છે. કિન્નરોને આ પાંચ વસ્તુઓ કયારેય ન આપવી શાસ્ત્રો અનુસાર બુધ-ગ્રહની શાંતિ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કિન્નરોને પ્રસન્ન કરવું સૌથી લાભદાયક માનવામાં આવે છે. કિન્નરોને કયારેય સાવરણી ન આપવી કારણ કે તે લક્ષ્મીનું પ્રતિક છે. સ્ટીલના વાસણો ઘણા લોકો દિવાળી કે બીજા માંગલીક પ્રસંગે દાન કરતા હોય છે. પરંતુ આવું કિન્નરોને દાન ન કરવું નહિતર તમારા ઘણની સુખ શાંતિ હણાઈ જશે.
જૂના કપડા તમે કોઈ જરૂરીયાત મંદ ને આપો તે સારૂ છે પણ કિન્નરોને ન આપવા એટલે કે પહેરેલ કપડા કયારેય કિન્નરોને ન આપવા શનીવારે તમે તેલનું દાન કરો તો દરિદ્રતા અને દૂર્ભાગ્ય દૂર કરનાર મનાય છે. પણ કિન્નરોને આવું દાન કરો તો ઉંધુ ફળ આપે છે. પ્લાસ્ટિક બોટલનું દાન કરવાથી તમારા પરિવારમાં બિમારીઓ આવે છે. તેવું મનાય છે. તેથી આવી પાંચ વસ્તુઓનું દાન કિન્નરોને ન કરવુ તેવું મનાય છે.
કેરેલા સરકારની આર્થિક મદદથી ‘હેરી’ દેશનો પ્રથમ ટ્રાન્સજેન્ડર પાયલટ બન્યો હતો
કેરેલાનો ટ્રાન્સજેન્ડર એડમ હેરી દેશનો પ્રથમ ટ્રાન્સજેન્ડર પાયલટ બન્યો હતો. કેરેલા સરકારે 20 વર્ષના હેરીને કોમર્શિયલ પાયલટનાં લાયસન્સના ભણતર માટે આર્થિક મદદ કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. હેરી ત્રણ વર્ષની તાલીમ લઈ ને જોડાયો હતો. જેના માટે લાખોનો કેરેલા સરકારે ઉઠાવ્યો હતો. આમ ટ્રાન્સજેન્ડર માટે કેરેલા સરકારે લીધેલું પગલુ તમામ રાજય માટે પ્રેરણારૂપ બન્યું હતું.ટ્રાન્સજેન્ડર અધિકાર સુરક્ષા બીલ 2019 રાજયસભામાં ટ્રાન્સજેન્ડરના માનવ અધિકારોનાં સુરક્ષા બિલને મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ 5મી ઓગષ્ટ 2019ના રોજ લોકસભામા આ બીલને લીલીઝંડી મળી હતી આ બીલમાં ટ્રાન્સજેન્ડરોને સમાજની મુખ્યધારામાં લાવવા અને તેમના સામાજીક, આર્થિક અને શૈક્ષણીક સશકિતકરણ માટે એક વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયકમાં ટ્રાન્સજેન્ડર લોકો વિરૂધ્ધ અપરાધ કરનાર લોકો માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો હેતુ એ છે કે આ બીલ લાવવાથી એક સાઈડમાં રહેલા ટ્રાન્સજેન્ડર વર્ગ સાથે થતા ભેદભાવ અને દૂરવ્યવહાર રોકવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે.
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં ટ્રાન્સજેન્ડર પણ સામેલ થઈ શકે છે
ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય સ્તર અને સામુદાયિક ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર અને વિવિધ લીંગના લોકોને સામેલ કરવા માટે એક ટ્રાન્સજેન્ડર નીતીની જાહેરાત કરી છે. આ નિતિ અંતર્ગત હવે ટ્રાન્સજેન્ડર પણ ઓસ્ટ્રેલીયા તરફથી ક્રિકેટ રમી શકશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એલેકસ બ્લેકવેલે આ નીતિ લાગુ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું આ પગલુ સરાહનીય છે. હવે ટ્રાન્સજેન્ડર પાસે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની તક મળશે.