સત્યઘટના પર આધારિત ફિલ્મ સમયચક્રના કલાકારો ‘અબતક’ના બન્યા મહેમાન
એક કિન્નરે રસ્તા પર ત્યજાયેલી બાળકીને અપનાવી તેની પાલના કરી સાસરે વળાવે છે.બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લઈને આવતી આવી એક અનોખા વિષય પર ગુજરાતી ફિલ્મ સમયચક્રનું નિર્માણ થયું છે. જે આગામી ૨૬મી મે એ રીલીઝ થઈ રહી છે. ફિલ્મના કલાકાર કસબીઓ ‘અબતક’ના મહેમાન બન્યા હતા.
સમયચક્રના નિર્માતા નિર્દેશક અને કલાકારો ખાસ અબતક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.ફિલ્મના નિર્દેશક અમરકુમાર જાડેજાએ જણાવ્યું હતુ કે સમયચક્ર એક ખરા અર્થમાં અર્બન મોર્ડન ફિલ્મ છે. અમારી ફિલ્મ બેટી બચાવો બેટી પઢાવોને સામાજીક સંદેશ લઈને આવે છે. વડાપ્રધાને આપેલું આ સૂત્ર અમે ફિલ્મ થકી રજૂ કર્યંુ છે.
સમયચક્રમાં આકાશ શાહ હીરો છે. અપેક્ષા પટેલ અભિનેત્રીની ભૂમિકામાં છે. આ બંનેની પ્રથમ ફિલ્મ છે. કિન્નરનું પાત્ર ચંદન રાઠોડે ભજવ્યું છે. ફિલ્મમાં રાજકોટના અલ્પેશ ટાંક, શિવલાલ સૂચક, હરીશ બથવાર જેવા કલાકારોને તક મળી છે. ફિલ્મનં શુટીંગ રાજકોટ મોરબી, વાંકાનેર સહિતના શહેરોમાં થયું છે.
રંગભૂમિના કલાકાર અને ફિલ્મમાં દાદીનો રોલ કરતા પ્રતિમા ટી.એ. અબતકના મેનેજીંગ ડીરેકટર સતીષભાઈ મહેતા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે આ ફિલ્મ લોકો જુએ આ આપણી ફિલ્મ છે. સમાજનો આઈનો છે. એક કિન્નરને બેટી બચાવો બેટી પઢાઓનું સુત્ર સાર્થક કરતા બતાવાયા છે. તે બહુ મોટી વાત કહેવાય.
ફિલ્મના હીરો આકાશ શાહે જણાવ્યું કે મને આનાથી મોટો બ્રેક મળી શકે નહી. ફિલ્મમાં કામ કરવાની ખૂબ મજા આવી ઘણું શીખવા મળ્યું ફિલ્મ કયારે પૂરી થઈ ગઈ તેનો ખ્યાલ ન રહ્યો.
ફિલ્મના હીરોઈન અપેક્ષા પટેલે જણાવ્યું હતુ કે આ ફિલ્મમાં મેસેજ ઉપરાંત બધી પ્રકારનું મનોરંજન છે. કોઈ દ્વિઅર્થી સંવાદો નથી. આ મારી પ્રથમ ફિલ્મ છે. અને પ્રતિમાજી સાથે કામ કરવા મળ્યું.
ડાયરેકટર અમરકુમારે અંતમાં જણાવ્યું કે મને વિષય ખૂબજ સ્પર્શી ગયો મેં ૧૫ વર્ષ આરામ કરવાનું પસંદ કર્યું પરંતુ આ ફિલ્મમાં સંદેશ પ્લસ એન્ટરટેનમેન્ટ છે