તા.૧૯ ડિસેમ્બર અને ૨૦ ડિસેમ્બરનાં રોજ આઈપીએલ ખેલાડીઓની હરાજી યોજાઈ હતી જેમાં અનેકવિધ નવતર પ્રયોગો જાણે હાથ ધરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. વિદેશી ખેલાડીઓની જયારે વાત કરવામાં આવે તો પેટ કમિશન્સ સાડા પંદર કરોડ રૂપિયામાં વેચાયો હતો જયારે ભુતપૂર્વે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહેલા ગ્લેન મેકસવેલને ફરીથી કિંગ્સ ઈલેવન પંજાબે ૧૦.૭૫ કરોડમાં ખરીદયો હતો. મેકસવેલ ટીમમાં ફરતાની સાથે જ કિંગ્સ ઈલેવન પંજાબમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયામાં બીગબેસ શ્રેણી રમાઈ રહી છે ત્યારે મેલબર્ન સ્ટારમાંથી રમી રહેલા ઓસ્ટ્રેલિયાનાં ઓલ રાઉન્ડર ગ્લેન મેકસવેલે ૩૯ બોલમાં ૮૩ રન ફટકારી પોતાની વિસ્ફોટક ઈનીંગ રમી હતી.
૨૦ ઓવરની મેચમાં ટીમે ૧૬૭ રનનું યોગદાન આપ્યું હતું. આ તકે ૩૧ વર્ષીય ગ્લેન મેકસવેલે ૭ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકારી ટીમને ૧૬૭ રન સુધી પહોંચાડયું હતું. જયારે તેની સામે બિઝબેનની ટીમ ૧૪૫ રન કરી ૮ વિકેટ ગુમાવતા મેચ મેલબર્ન સ્ટારે જીતી લીધો હતો. મેકસવેલની વિસ્ફોટક ઈનીંગ્સ જોતા કિંગ્સ ઈલેવન પંજાબે મેકસવેલની રમતને બીગ-શો તરીકે જણાવી હતી અને ટવીટ કરતા કહ્યું હતું કે, ગ્લેન મેકસવેલનો વિસ્ફોટક અંદાજ આવનારા આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે. મેકસવેલ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમમાં ૩ વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે. તેને તેનું આઈપીએલ કેરીયર દિલ્હી કેપીટલથી ૨૦૧૨માં શરૂ કર્યું હતું જેને મુંબઈ ઈન્ડિયન્સે ૨૦૧૩માં ખરીદયો હતો ત્યારે આઈપીએલ ૨૦૨૦નાં હરાજીમાં ઓસ્ટ્રેલિયાનાં અનેકવિધ પ્લેયરો બહુ ઉંચી રકમ પર વેચાયા હતા જેમાં પેડ કમિશન્સ સૌથી વધુ મોંઘો ખેલાડી સાબિત થયો છે. આ તકે મુંબઈ ઈન્ડિયન્સે પણ ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડર નાથન કોલ્ટર નાયલને ૮ કરોડમાં ખરીદયો હતો ત્યારે ગ્લેન મેકસવેલની ટીમમાં વાપસી થતાની સાથે જ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ અન્ય ટીમોની સરખામણીમાં મજબુત હોય તેવું માનવામાં આવી રહ્યું છે.