• મુખ્યમંત્રી અને ભૂતાનના રાજવીએ ભોજન બેઠક દરમિયાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભૂતાન નરેશ અને વડાપ્રધાનના સન્માનમાં ગાંધીનગરમાં સ્નેહ ભોજનનું આયોજન કર્યું

ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પધાર્યા હતા. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભૂતાન નરેશ અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ગરબા અને ઢોલના તાલે મહેમાનોના સ્વાગત બાદ મુખ્યમંત્રીએ તેમના સમ્માનમાં ગાંધીનગરની ધ લીલા હોટેલ ખાતે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. ભૂતાનના મહેમાનોએ ગુજરાતની ભૂમિ પર સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી હતી.

અહીં પ્રતિનિધિમંડળ માટે ખાસ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. મહેમાનોએ કોન્ટિનેન્ટલ વાનગીઓ સાથે ખમણ ઢોકળા, સુરતી ઊંધિયું, થેપલા જેવી ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. મહેમાનોને વેલકમ ડ્રિંક તરીકે વોટરમેલન અને ઓરેન્જ જ્યુસ, સૂપ વગેરે તેમજ એપેટાઇઝરમાં તંદૂરી રૂમાની પનીર, સબ્ઝ ઔર માવા કી ગલોટી, મેક્સિકન ઍલેપિનો ઍન્ડ પેપર રૂલાડે પીરસવામાં આવ્યા હતા. દહીં ભલ્લા, ખમણ ઢોકળા, પર્લ મિલેટ (બાજરી) ઍન્ડ એસ્પેરાગસ સેલડ, મિડલ ઈસ્ટર્ન ફેટૂશ જેવા સ્ટાર્ટર બાદ મહેમાનોએ પનીર ટમાટર કા કૂટ, સુરતી ઊંધિયું, વેજિટેબલ લઝાનિયા, ડ્રાય નટ્સ અને મસાલાથી ભરપૂર રેડ રાઇસ પિલાફ, સ્ટીમ જીરા રાઇસ, દાલ મખની, નાન, થેપલા, પરાઠાની લિજ્જત માણી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતીઓના પ્રિય એવા મોહનથાળ તેમજ અંગૂર બાસુંદી, કેરેમલ ચોકલેટ કેક સહિતની મીઠાઈઓનો સ્વાદ પણ માણ્યો હતો. મુખ્યમંત્રી અને ભૂતાનના રાજવીએ આ ભોજન બેઠક દરમ્યાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રોટોકોલ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યસચિવ  રાજકુમાર તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.