આ વર્ષે IPL ૨૦૨૨માં બે નવી ટીમ ભાગ લેવા જઈ રહી છે. જેમાં અમદાવાદ અને લખનૌની ટીમ પણ આ વર્ષે આઠ ટીમો સાથે ટક્કર લેશે. ચાહકોની સાથે ટીમો પણ IPL 2022ની મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહી છે. મેગા ઓક્શન પહેલા બે નવી ટીમો અમદાવાદ અને લખનૌ ફ્રેન્ચાઈઝીએ તેમના ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. અહેવાલ મુજબ, લખનૌ ફ્રેન્ચાઇઝીએ કેએલ રાહુલ, માર્કસ સ્ટોઇનિસ અને રવિ બિશ્નોઇને સાઈન કરવાનો નિર્ણય લીધો છે. મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવાની છે.
એક રિપોર્ટ અનુસાર, રાહુલને ફ્રેન્ચાઇઝી દ્વારા નંબર-1 ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે, તેથી તેને નિર્ધારિત ફી સ્લેબ મુજબ 15 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર સ્ટોઈનિસને પ્લેયર 2 તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને તેને 11 કરોડ રૂપિયા મળશે અને રવિ બિશ્નોઈને રૂ. 4 કરોડ મળશે.
રાહુલને લખનૌ ફ્રેન્ચાઈઝી સાથે જોડાણ કરવા અંગે ઘણી અટકળો ચાલી રહી હતી. રાહુલે છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS)નું નેતૃત્વ કર્યું હતું. કિંગ્સે ટૂર્નામેન્ટમાં છેલ્લી ચાર સિઝન છઠ્ઠા સ્થાને પૂરી કરી છે. જોકે, 2020 અને 2021માં જ રાહુલે પંજાબનું નેતૃત્વ કર્યું હતું.
રાહુલની કપ્તાની હેઠળ પંજાબને બહુ સફળતા મળી ન હતી, પરંતુ તે લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક રહ્યો છે. 2020માં, રાહુલે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ મેળવી હતી, જ્યારે 2021માં તે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.