ઉનાળો શરુ થતા જ જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીનું આગમન પણ થઇ ચુક્યુ છે. બાળકોથી લઇને મોટેરા સુધી બધાની પ્રિય એવા ફળોના રાજા કેસર કેરીનું બજારમાં આગમન થઇ ગયું છે.જો કે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતાઓ વર્તાઇ રહી છે, જેના કારણે કેરના ભાવ પણ આકાશે પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરરાજી શરૂ થઇ છે.
ફળોના રાજા કેરીના શોખીનો માટે સારા સમાચાર છે સોરઠની પ્રખ્યાત કેસર કેરીનું જૂનાગઢમાં આગમન થઇ ચૂક્યું છે, ગુરુવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની પહેલી કેસર કેરીની હરરાજી થઇ હતી, જેમાં 10 કિલોના બોક્સ રૂપિયા બે હજારના ભાવે વેચાયું હતું.
આખા વિશ્વમાં ગીરની ઓળખ સમી કેસર કેરીનાં ખેડૂતો છેલ્લા એક દાયકાના રેકોર્ડ બ્રેક નુકસાન માંથી પસાર થઈ રહ્યાં છે. કમોસમી વરસાદ અને તોફાની પવનોનાં કારણે મોટા ભાગના મોર ખરી પડ્યા છે. માર્કેટમાં ગત વર્ષની સરખામણીમાં માત્ર 25થી 30% જેટલો જ પાક પહોચશે તે નક્કી છે.
કેસર કેરીના વેપારીઓનું માનીયે તો આ વર્ષ કેસર કેરીનો સ્વાદ ચાખવા માટે આપે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધુ ભાવ ચુકવવા પડી શકે છે. 250 થી 500 રૂપિયામાં મળતું કેરીનું બોક્સ આ વખતે 800 થી 1000 રૂપિયા ચુકવવા પડી શકે છે.માર્કેટમાં કેરીની ઓછી આવકથી વેપારીઓની પણ હાલ તો ચિંતા વધી ગઇ છે. ત્યારે કેરીના રસિયાઓને અત્યારથી જ મન મક્કમ કરવું પડશે તે નક્કી છે.