એક સમયે ટોચના ૧૦ ધનવાનોમાં સામેલ કોકેઇન કિંગ પાબ્લો એસ્કોબાર અંગે અનેક રાજ ખુલતા જાય છે. કોલંબિયન ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારનો પહેલી ડિસેમ્બર ૧૯૪૯ના રોજ જન્મ થયો હતો. તા. ૨ ડિસેમ્બર ૧૯૯૩માં તેનું મોત થયું હતું. તેનું જીવન એટલું નાટકીય હતું કે, તેના પર અનેક ફિલ્મો અને ટીવી શ્રેણી બનાવવામાં આવી છે, એક વિકાસશીલ દેશમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા પાબ્લો એસ્કોબારે ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં આશરે 30 બિલિયન ડોલરની અંદાજિત સંપત્તિ ઊભી કરી હતી.
તે સમયે તે વિશ્વના સાતમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં તેની ગણતરી થતી હતી. પાબ્લોએ કોલંબિયા અને પનામા વચ્ચેના વિમાનોના ઉડ્ડયન મારફતે તેનો કોકેઇનનો કારોબાર વિસ્તારવાનું શરૂ કર્યું હતું. પાછળથી તેણે 15 મોટા એરોપ્લેન અને 6 હેલિકોપ્ટર ખરીદ્યાં હતાં! એક અનુમાન અનુસાર, દર મહિને 70 થી 80 ટન કોકેઇન કોલંબિયાથી યુનાઇટેડ સ્ટેટ્સ સુધી મોકલવામાં આવતું હતું.
પાબ્લોએ મોટા પાયે ડ્રગ્ઝના પરિવહન માટે જહાજો તેમજ બે નાની સબમરીનનો પણ ઉપયોગ કર્યો હતો. સમૃદ્ધ ડ્રગ માફિયાએ કોલંબિયામાં વૈભવી ગઢ બનાવ્યો હતો, જે વીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હતો. આ ગઢમાં જુદાજુદા ખંડોમાંથી વિવિધ પ્રકારનાં પ્રાણીઓ એન્ટીલોપ, હાથી, વિદેશી પક્ષીઓ, જિરાફ, હિપોપૉટેમસ અને શાહમૃગને સમાવતું પ્રાણીસંગ્રહાલય હતું. આ મહેલનું એક ખાનગી એરપોર્ટ પણ હતું અને તેની પાસે જૂની અને વૈભવી કાર-બાઇકોનો વિશાળ સંગ્રહ હતો. તેમની સંપત્તિમાં છૂપી રોકડ અને જ્વેલરી પણ હતી.