સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રફેલ નડાલે ફરી એક વખત કલે કોર્ટ પર ચેમ્પિયન બનીને પોતાનું સામ્રાજ્ય યથાવત રાખ્યું હતું. રવિવારે સ્વિટઝર્લેંન્ડના વાવરિંકાને પરાજય આપીને રોકોર્ડ બ્રેક 10મી વખત ફ્રેંચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ સાથે જ તે એક જ ગ્રાન્ડ ટુર્નામેન્ટમાં 10 વખત ચેમ્પિયન બનનારો વિશ્વનો પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો હતો. નડાલે ફ્રેચ ઓપનમાં ત્રીજી વખત એક પણ સેટ ગુમાવ્યા વગર ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
આ પહેલા નડાલે 2005,2007,2008,2010,2011,2012,2013 અને 2014 માં ચેમ્પિયન બની ચૂક્યો છે. મેચની શરૂઆતથી જ નડાલ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર ગણાતો હતો. નડાલનું આ કારકિર્દીનું 15મુ ટાઇટલ જીત્યો અને સાથે જ તેને પીટ સામ્પ્રાસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. નડાલ હવે ફક્ત રોજર ફેડરરના 18 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલથી ત્રણ ટાઇટલ પાછળ છે. નડાલે કારકિર્દીમાં અત્યારસુધી 73 ટાઇટલ જીત્યા છે. અને આ સાથે તે સૌથી વધુ ટાઇટલ જીતનાર ખેલાડીઓમાં પાંચમા સ્થાને પહોચી ગયો છે. નડાલથી આગળ જિમ્મી કોનોર્સ (109), ઈવાન લેન્ડલ (94), રોજર ફેડરર (91), અને જ્હોન મેકેનરો (77) છે. નડાલ છેલ્લે 2014માં ફ્રેંચ ઓપન જીત્યો હતો. 2014 પછી સતત બે વર્ષ નિષ્ફળ રહ્યો હતો અને ઇજા અને કંગાળ ફોર્મને કારણે લોકોએ તેને નિવૃતિ લેવાની સલાહ પણ આપી હતી તેમ છતાં તેને હાર ન માનતા ફરી એક વખત સાબિત કરી દીધું કે જીતની ભૂખ આજે પણ એટલી છે જેટલી પેહલા હતી.