કોહલીના 82 રન અને હાર્દિકના 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સે પાકિસ્તાનને ધ્વસ્ત કર્યું
ટી20 વિશ્વકપ 2022ના પહેલા જ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ઢેર કરી ખુબજ મોટો બદલો લીધો છે. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન નિષ્ફળ નીવડ્યા છતાં પણ કિંગ કોહલીએ પોતાની જવાબદારી સમજી ટીમને મેચ જીતાડવા માટે પોતાનો સિંહ ફાળો આપ્યો હતો અને પાકિસ્તાન સામે દમદાર જીત હાસિલ કરી હતી. છેલ્લી ઓવર સુધી પહોંચેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ધમાકેદાર 82 રન ફટકાર્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ 40 રનનું યોગદાન આપ્યું હતું. દિવાળીના એક દિવસ પહેલા જ ભારતમાં દિવાળીની ઉજવણી થઇ હતી. કોહલીની ’વિરાટ’ ઇનિંગની મદદથી ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટે 53 બોલમાં 82 રનની અત્યંત મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. વિરાટે એકલા હાથે ટીમને મેચ જિતાડી ગત ટી20 વર્લ્ડકપની હારનો બદલો લીધો હતો.
પાકિસ્તાન સામે જીત હાંસલ કરતા ભારતે વર્લ્ડ કપનો શાનદાર પ્રારંભ કર્યો હતો. ટી20 વર્લ્ડકપ 2022માં આજે સુપર-12 રાઉન્ડની ચોથી મેચમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે. મેચ પૂર્વજ ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની શરૂઆત પણ ખુબજ ખરાબ રહી હતી. જેમાં પાકિસ્તાનના બંને ઓપનરો ખુબજ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી અર્શદીપ અને હાર્દિક પંડ્યાની સાથે મોહમ્મદ શામીએ પાકિસ્તાનને બેકફૂટ ઉપર ધકેલી દીધું હતું. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે છેલ્લા બોલમાં ટાર્ગેટ નો પીછો કરીને 161 રન બનાવીને જીત પ્રાપ્ત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સામે મેચ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.
આ ઉપરાંત દેશવાસીઓએ ટીમ ઈન્ડિયાની જીત થવાથી ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. હાર્દિક પંડ્યા પણ મેચ બાદ રડી પડ્યો હતો અને તેના પિતાને યાદ કર્યા હતા. હાર્દિક પંડ્યાનો પણ મહત્વનો ફાળો હતો, તેણે આ જીતને દિવંગત પિતાને સમર્પિત કરી હતી અને તેમણે તેના કરિયર માટે કેટલું વેઠ્યું હતું તેનો ઉલ્લેખ કરતાં આંખમાં આંસુ આવી ગયા હતા.
પાકિસ્તાન સામેના રોમાંચક મેચમાં ભારતીય ઓપનીંગ બેસ્ટમેનોનું પ્રદર્શન ખૂબજ નિરાશાજનક રહ્યું હતુ અને વિરાટ કોહલીની સાથોસાથ હાર્દિક પંડયાને બાદ કરતા મીડલ ઓર્ડર બેસ્ટમેનો નિષ્ફળ નિવડયા હતા. ત્યારે બાકી રહેલા ટી.20 વિશ્ર્વકપના મેચોમાં બેસ્ટમેનોએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું ખૂબજ જરૂરી છે. જો આ પ્રકારની સ્થિતિ યથાવત રીતે જોવા મળી તો ભારતીય ટીમ માટે વિશ્ર્વકપ જીતવો કપરો બની જશે. પાકિસ્તાન સામે ચાર વિકેટે જીત મળ્યા બાદ ટીમનુ મનોબળ ખૂબજ ઉચુ આવ્યું છે જે આવનારા સમય અને આગામી મેચોમાં ટીમને ખૂબજ ઉપયોગી નીવડશે.
મોહાલી કરતા મેલબોર્નની ઇનિંગ વધુ ખાસ : કોહલી
મેચ ખતમ થયા બાદ ટીમના તમામ ખેલાડીઓ વિરાટ કોહલીને ભેટવા માટે દોડ્યા હતા તો કેપ્ટન રોહિત શર્માએ તો નાના બાળકની જેમ તેને ઉંચકી લીધો હતો. થોડીવાર બાદ તે બધાથી થોડો દૂર ચાલ્યો ગયો હતો અને આકાશ તરફ જોઈને વાતચીત કરી રહ્યો હોય તેમ જણાતું હતું. આ દરમિયાન તે ઈમોશનલ પણ થયો હતો. બીજી તરફ મોહાલીમાં વિરાટે 51 બોલમાં 82 રનની ઈંનિંગ રમી હતી . જ્યારે ગઈ કાલના અત્યંત રોમાંચક અને હાઇવોલ્ટેજ મેચમાં તેને 53 બોલમાં 82 રનની ઈંનિંગ રમી હતી જે અત્યંત મહતવપૂર્ણ નીવડી હોવાનું અને યાદગાર હોવાનું જણાવ્યું હતું.