પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ચેન્નઈ: મનિષ પાંડેની ૮૩ રનની ઈનીંગ એળે ગઈ
સનરાઈઝ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે જે મેચ ચેન્નઈ ખાતે રમાયો હતો તેમાં દરેક ક્ષેત્રે ચેન્નઈ અવ્વલ રહ્યું હતું. મનિષ પાંડેની ૮૩ રનની રમત બાદ ટીમ દ્વારા હૈદરાબાદની ટીમના તમામ ખેલાડીઓને રોકીને રાખ્યા હતા. ચેન્નઈની ચુસ્ત ફિલ્ડીંગ અને બોલીંગ બાદ મહેન્દ્રસિંહ ધોનીની ચીવટભરી સુકાનીથી સનરાઈઝ હૈદરાબાદના ખેલાડીઓને રોકી રાખવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ બેટીંગમાં સેન વોટ્સનનું પ્રદર્શન પણ કાબીલે તારીફ રહ્યું હતું એટલે સુપર કિંગ્સ મેચમાં દરેક ક્ષેત્રમાં કિંગ સાબીત થતા પ્લેઓફમાં કવોલીફાય થઈ હતી.
આઈપીએલ ૨૦૧૯ની ૪૧મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈની ટીમે સાર્દુલ ઠાકુરની જગ્યાએ હરભજનસિંહને ટીમમાં સ્થાન આપ્યું હતું. જયારે હૈદરાબાદની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં સાકીબલ હસન અને મનિષ પાંડેને રમાડવામાં આવ્યો હતો. હૈદરાબાદ પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરના અંતે ૩ વિકેટ ગુમાવી ૧૭૫ રન નોંધાવ્યા હતા. જેમાં મનિષ પાંડે અને ડેવીડ વોર્નરે બીજી વિકેટ માટે ૧૧૫ રન ઉમેરી ટાર્ગેટ સેટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
કેન વિલીયમસનની ગેરહાજરીમાં રમી રહેલા મનિષ પાંડેએ ૪૯ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી અણનમ ૮૩ રન નોંધાવ્યા હતા. જયારે ડેવીડ વોર્નરે ચેન્નઈ સામે સતત ૭મી મેચમાં અર્ધ સદી ફટકારી ૪૫ બોલમાં ૫૭ રન કર્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી હરભજનસિંગે ૨ વિકેટ અને દિપક ચહરે ૧ વિકેટ ઝડપી હતી. ૧૭૬ રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સે ૧૯.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઈસ કર્યો હતો. આ જીત સાથે ચેન્નઈ પ્લેઓફમાં કવોલીફાય કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
સુપર કિંગ્સ માટે સેન વોટ્સનને ફોમમાં પરત આવતા ૫૩ બોલમાં ૯ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૯૬ રન કર્યા હતા જે ભુવનેશ્ર્વર કુમારની બોલીંગમાં બેરીસ્ટોના હાથે ઝીલાયો હતો. ટીમમાં સુરેશ રૈનાએ પણ ૨૪ બોલમાં ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે ભુવનેશ્ર્વર કુમાર, રસીદ ખાન અને સંદીપ શર્માએ ૧-૧ વિકેટ ઝડપી હતી.