જામનગરની ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી

મુળ કોંગ્રેસી અને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારમાં મંત્રીપદે રહેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને આ વખતે વિધાનસભાની ચુંટણીમાં ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી નથી.

તેઓના સ્થાને ટીમ ઇન્ડીયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજાને ટિકીટ આપવામાં આવી છે. જો કે જામનગરની ત્રણેય વિધાનસભા બેઠક જીતાડવાની જવાબદારી ભાજપે હકુભાના ખભ્ભે મુકી છે.

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ બેઠક પરથી દિવ્યેશભાઇ અકબરી અને જામનગર ગ્રામ્ય બેઠક પર રાજય સરકારના વર્તમાન કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને ટિકીટ આપવામાં આવી છે. હકુભા જાડેજાની ટિકીટ કાંપી નાંખવામાં આવતા તેઓ નારાજ હોવાની ચર્ચા થઇ રહી છે.

દરમિયાન ગઇકાલે સાંજે ભાજપ દ્વારા તેઓને જામનગરની ત્રણેય બેઠકો માટે ઇન્ચાર્જ બનાવી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે વિધાનસભાની બેઠક વાઇઝ એક-એક ઇન્ચાર્જની વરણી કરવામાં આવતી હોય છે. પરંતુ હકુભાને તેઓના કદ મુજબ ત્રણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ટિકીટ ફાળવણી બાદ ભાજપનું ઘર સળગી રહ્યું છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મામલો હાથ પર લઇ લીધો છે. અને ડેમેજ કંન્ટ્રોલ કરવાનો પ્રવાસ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.