પ્રારંભિક બાળ અભ્યાસક્રમ સાથે 5+3+3+4ની અભ્યાસક્રમ સિસ્ટમ લાગુ પડશે: પ્રિ-પ્રાઇમરી માટે કાયદો લાગુ પડતા જ માત્ર સરકારી કે સરકાર માન્ય શાળામાં કે.જી. સિસ્ટમ નિયમ બઘ્ધ થઇ જશે: હાલ પ્રિપ્રાઇમરી માટે કોઇ નિયંત્રણ ન હોવાથી ગમે તે ગમે ત્યારેને ગમે ત્યાંથી શરૂ કરી શકે છે, તેની ફિ માટે પણ કોઇ નિયંત્રણ નથી.
નવી શિક્ષણ નીતી 1986 બાદ 2020માં નવી શિક્ષણ નીતિ અમલમાં આવી જેમાં બુનિયાદી શિક્ષણ સાથે બાળકોનાં રસ, રૂચી, વલણોને ઘ્યાને લઇને ઘણા ફેરફારો કરાયો છે. 2022ના નવા શૈક્ષણિક સત્રથી કદાચ અમલમાં પણ આવી શકે છે. નવા માળખામાં 5+3+3+4 ની શૈક્ષણિક સીસ્ટમ રહેશે. સૌથી અગત્યની વાતમાં પ્રારંભિક બાળ શિક્ષા એટલે કે અર્લી ચાઇલ્ડ એજયુકેશન સીસ્ટમ પર ખાસ ભાર મુકાયો હોવાથી નર્સરી, લોઅર કે જી.કે. હાયર કે.જી. જેવા ચાલતા પ્રારંભિક કે.જી. અભ્યાસક્રમો શિક્ષણ કાયદામાં આવરી લેવાશે. વર્ષોથી બાલ મંદિર ક્ષેત્રે સરકારી દાયરામાં આવતું ન હોવાથી બધા પોતાની રીતે ચલાવતા હતા. કોર્પોરેશન કે જીલ્લા પંચાયત દ્વારા ચલાવાતી આંગણવાડીઓ નિયમ બઘ્ધ ચાલતી હતી.
આપણા બંધારણમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે, પણ આપણે તો બાળકો 3 વર્ષે જ નર્સરીમાં બેસાડી દઇએ છીએ. સરકારી શાળામાં પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે જ તેને ધો. 1 માં પ્રવેશ અપાય છે. ખાનગી શાળામાં સાડાત્રણ વર્ષે નર્સરીમાં બાલમંદિરમાં કે પ્લે હાઉસ જેવા નામ નોંધીને ટબુકડાની શિક્ષણ યાત્રા શરૂ કરાવી દે છે. કેટલાક તો આવડા નાનકડા બાળકોની ‘ટેસ્ટ’ પણ લે છે. કુમળી વયના પ્લે હાઉસના બાળકોને પણ કોરોના કાળમાં ઓન લાઇન ભણાવતા હતા બોલો !! ચાલે છે તે લોલમ લોલ ગાડી !!
અત્યાર સુધી પ્રિ-પ્રાઇમરી ક્ષેત્રે કોળ નિયમન અંકુશ કે મંજુરી જેવું હતું જ નહીં જો કે હજી પણ નથી પણ હવે નવી શિક્ષણ જાતિ 2020 આવતા પ્રારંભિક પાંચ વર્ષની સિસ્ટમમાં બાળકને 3 વર્ષે દાખલ કરીને પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસ ક્રમમાં શરુ કરાશે જે ધો. ર સુધીનો પ્રથમ પાંચ વર્ષનો ગાળો ગણાશે. બાદમાં ધો. 3, 4, પ નો ત્રણ વર્ષ, ધો. 6,7,8 નો ત્રણ વર્ષ અને ધો. 9,10,11,12 નો છેલ્લો ચાર વર્ષનો ગાળો ગણાશે. અત્યારે બાલમંદિરો પર સરકારી અંકુશ નથીને મનફાવે તેવી ફિ પણ લે છે, પણ હવે સરકારી દાયરામાં આવતા તેનો પણ ચોકકસને સરકારી ગાઇડ લાઇન સાથેનો અભ્યાસક્રમ આવશે.
આજે તો રાજયમાં જયા જાુઓ ત્યાં શેરી, ગલી, દુકાન મકાનો વિગેરે જગ્યાએ બિલાડીના ટોપની જેમ પ્લે હાઉસ ચાલુ છે. એમના માટે કોઇ મંજુરીની પણ જરુર નથી , ભણેલ કે અભણ ગમે તે ખોલી શકે પણ હવે નવી શિક્ષણ નીતિ અન્વયે પ્રિ-પ્રાઇમરીને કાયદેસર સ્વરૂપ અપાતા હવે આવા બાલ મંદિરોને અલીગઢના તાળા લાગી જશે. પ્રિ-પ્રાઇમરીની આ સિસ્ટમમાં પણ તેનો નિયમ અભ્યાસક્રમ પાસ કરેલ હશે તે જ ભણાવી શકશે. પ્રિ. પી.ટી.સી. અભ્યાસક્રમ અર્લી ચાઇલ્ડ એજયુકેશન સીસ્ટમના બાળકોને ભણાવવા માટેનો જ છે. જેમાં બાળ મનોવિજ્ઞાન મહત્વનો વિષય હોય છે.
નવી શિક્ષણ નીતિ-2020 માં પ્રારંભિક બાળ શિક્ષણએ બાળપણના પ્રારંભિક વર્ષોના મહત્વ પર ભાર મુકે છે, અને ગુણવત્તા યુકત પ્રાથમિક સંભાળ અને શિક્ષણ 3થી 6 વર્ષના બધા બાળકોને ર0રપ સુધીમાં મળે તેવો લક્ષ્યાંક રાખ્યો છે, આ માટે વિવિધ નિયમો સાથે નવા પગલાઓના દ્વાર ખુલશે. દરેક બાળકોને મૂળભૂત અક્ષરજ્ઞાન અને આંકડાકિય જ્ઞાન ધો. 1 થી પ દરમ્યાન મળી રહે તેવી પાયોથી યોજના બનાવાય છે જે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત બનાવાશે.
આજે ઘણા મોટા બાળકોને વાંચવા લખવામાં તકલીફ જોવા મળે છે જે નવા પ્રારંભિક બાળ અભ્યાસક્રમમાં જોવા નહી મળે તેવો લક્ષ્યાંક નકકી કરાયો છે. 2025 સુધીમાં ધો. પ સુધી ના તમામ કે તે પછીના તમામ ધોરણના બાળકો મૂળભૂત રીતે અક્ષર જ્ઞાન અને આંકડાકીય જ્ઞાન 2025 સુધીમાં નકકી કરાશે. દરેક બાળક વાંચન, ગણન અને લેખનમાં મજબૂત હશે. બાળકના મગજ વિકાસ અને શિક્ષણના સિઘ્ધાંતોના આધારે શાળા શિક્ષણ માટે એક નવી વિકાસની કેડી કંડારશે. જેમાં વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, કલા, ભાષાઓ, રમતો ગમતો જેવા બધા વિષયો પર સમાન ભાર મુકાશે, નવી શિક્ષણ નીતિનો હેતુ 2030 સુધીમાં સાર્વત્રિક પહોચનો છે. 100 ટકા ગુણવત્તા મુકત શિક્ષણની વાત હશે.
પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમ માટે શિક્ષકોને તાલિમ બઘ્ધ કરીને તેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ થાય છે કે નહિ તેનું સઘન મોનીટરીંગ પણ આવનારા વર્ષોથી શરુ થવાની ધારણા છે. વિષય નિષ્ણાતો જ હવેથી જે તે વિષય ભણાવે તેવી પણ જોગવાઇ રાખેલ છે. ર1મી સદીના આજના ટબુકડા મિત્રો અર્લી ચાઇલ્ડ એજયકેશન સીસ્ટમની તાતી જરુરીયાત હતી જે આ નવી શિક્ષણ નીતિ 2020માં આવતા બાળકોનો પાયો જ પાકો થવાથી તેનો સંર્વાગી વિકાસ ઝડપી બનશે. નાનકડા બાળકોમાં રહેલી વિવિધ સુસુપ્ત કલાને પ્રોત્સાહીત કરીને જીવન કૌશલ્યોના વિકાસ સાથે તેનું ડેવલપમેન્ટ કરવું જરુરી છે.
ધો. 1 થી પના વર્ગો શરૂ થયા હવે બાલમંદિર કે પ્લે હાઉસ કયારે ખૂલશે?
આજથી રાજયમાં ધો. 1 થી પ ની શાળા શરુ થઇ રહી છે પણ આજ શાળમાં નર્સરી લોર્અર, કે.જી. કે હાયર કે.જી. ના ટબુકડા બાળદોસ્તોના વર્ગો કયારે શરુ થશે તે પ્રશ્ર્ન છે. બે વર્ષથી આ બાળકો શાળાએ ગયા જ નથી માત્ર તેઓ ઓનલાઇન ભણ્યા છે ત્યારે શાળા પ્રારંભે શાળા સંકુલ અને શિક્ષકની જવાબદારી આજથી જ વધી જશે. પ્રારંભે તરંગ ઉલ્લાસ મય અભ્યાસક્રમ અને એજયુકેશન ટોચ દ્વારા તેને ફરી ભણવા પ્રત્યે રસપેદા કરવાનો છે. બાળકોને શિસ્ત સાથે સ્વચ્છતા બાબતેની વિશેષ કાળજી તેમજ સરકારી ગાઇડલાઇનની તમામ સુચના પરત્વે શાળા અને શિક્ષકે કાળજી પૂર્વક કાર્ય કરવું પડશે. નાના બાળકમાં શરદ, તાવ, ઉઘરસ જેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. ત્યારે તે અંગેની સાવચેતી રાખવી જરુરી બની જાય છે. બેઠક વ્યવસ્થા અને વિવિધ પ્રવૃતિ વખતે સામાજીક અંતર સાથે હાથની સફાઇની તકેદારી સાથે વિવિધ સ્વચ્છતા બાબતે બાળકોને માહિતગાર કરવા પડશે. બાળકને આવવું, બેસવું, ભણવું ને રમવું ગમે તેવું વાતાવરણ દરેક શાળાએ અને શિક્ષકે દરેક વર્ગમાં ઉભુ કરવું જ પડશે. ધીમે ધીમે તેને અભ્યાસક્રમ તરફ વાળવો પડશે.