- જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા ચારણ યુવાન પર છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું
- ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો
જામનગર ન્યુઝ : જામનગર પંથકમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે, અને પખવાડિયાના સમયગાળા દરમિયાન હત્યારની ચોથી ઘટના બની છે, જેથી કાયદો વ્યવસ્થાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે. જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર જુની અદાવત નું મનદુઃખ રાખીને સ્થાનિક બાવરી શખ્સે છરી વડે હુમલો કરી દેતાં તેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસ હત્યારા આરોપીને શોધી રહી છે.
આ હત્યાના બનાવની વિગત એવી કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના ૨૧ વર્ષના ચારણ યુવાન પર બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાં એક બાવરી શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને પડખાના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો, જેથી ચારણ યુવાન લોહી લુહાણ થઈને ત્યાંજ ઢળી પડ્યો હતો.
જેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં ભારે રક્તસ્ત્રાવ થઈ ગયા પછી તબીબ દ્વારા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને મિત્ર વર્તુળ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભારે ગમગીની છવાઈ હતી. પોલીસ તંત્રને જાણ થવાથી પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદના આધારે હત્યા અંગેનો અપરાધ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા બાવરી શખ્સની શોધ ખોળ હાથ ધરી છે.
સાગર સંઘાણી