સર્વોચ્ચ અદાલતે ભોજન માટે પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મુકવાની અરજી ફગાવી
દેશની મોટી વસતીને ધ્યાનમાં રાખીને માંસના સેવન પર પ્રતિબંધ મૂકી શકાય નહીં તેવું જણાવી અનાજનું પણ સંકટ ઉભું થવાનો કોર્ટે સંકેત આપ્યો
મનુષ્યના ખોરાક માટે પશુઓની હત્યા કાયદેસર હોવાનું જણાવીને સર્વોચ્ચ અદાલતે ભોજન માટે પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મુકવાની અરજી ફગાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભોજન માટે થતી પશુઓની હત્યા ઉપર પ્રતિબંધ લાદવા સુપ્રીમમાં અરજી થઈ હતી. જેના જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની ડિવિઝન બેન્ચે થોડો સમય દલીલો સાંભળ્યા બાદ અરજદારની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ જોસેફે સુનાવણી દરમિયાન કહ્યું કે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ જ ખોરાક માટે પ્રાણીઓની હત્યાની મંજૂરી આપે છે, તો કાયદાની વિરુદ્ધ નીતિ કેવી રીતે હોઈ શકે.
જસ્ટિસ જોસેફે કહ્યું, “તમારું સૈદ્ધાંતિક વલણ એ છે કે પ્રાણીઓ પ્રત્યે કોઈ ક્રૂરતા ન હોવી જોઈએ. કાયદામાં તે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ આવે છે. કલમ 11 પશુઓને ખાવાની છૂટ આપે છે. કોર્ટે વધુમાં કહ્યું કે વહીવટી કાર્યવાહી કોઈપણ કાયદાની વિરુદ્ધ હોઈ શકે નહીં.
જસ્ટિસ નાગરત્ને કહ્યું કે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને માંસના સેવન પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. “અધિનિયમ હેઠળ અમુક માપદંડો હેઠળ પ્રાણીઓને ખાવાની પરવાનગી છે.દેશની વસ્તીને જોતા, શું તમે ખરેખર દેશમાં માંસ ખાવા પર પ્રતિબંધ મૂકવા માંગો છો?”
અરજદારે સ્પષ્ટતા કરી હતી કે અરજી પ્રતિબંધ માટે નથી પરંતુ પ્રાણીઓને મારવાને બદલે વૈકલ્પિક સ્ત્રોતો રાખવા માટે છે. કોર્ટે પૂછ્યું કે કલમ 32 હેઠળ અરજી દાખલ કરવાના અરજદારના કોના મૂળભૂત અધિકારને અસર થઈ છે. કોર્ટે કહ્યું, “અમે સૂચન કરીએ છીએ કે તમે અરજીને પાછી ખેંચો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જીવદયાપ્રેમીઓ જીવ હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. જો કે કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિને માંસાહાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
અનાજ ખૂટશે તેવો માત્ર ભ્રમ છે : રમેશભાઈ ઠક્કર
સામાજિક આગેવાન અને જીવદયાપ્રેમી રમેશ ઠક્કરે જણાવ્યુ હતું કે માંસાહાર ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. અત્યારે 90 ટકા લોકો માંસાહારી છે. ગુજરાતની જ સ્થિતી સારી છે. જ્યારે દેશમાં 30 કરોડ લોકો હતા ત્યારે પણ અનાજ નથી ખૂટયું અને અત્યારે 130 કરોડથી વધુની જન સંખ્યા થઈ ગઈ છે તો પણ અનાજનો જથ્થો ખૂટે તેમ નથી. માટે અનાજ ખૂટે તે માત્ર ભ્રમ જ છે.
માંસાહાર એ મોટું પાપ : સી.એમ. શેઠ
જૈન અગ્રણી અને સામાજિક આગેવાન સી.એમ.શેઠે જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં આજના સમયમાં પણ શાકહારીની સંખ્યા વધતી જઇ રહી છે. જીવોની હિંસા કરીને માંસાહાર આરોગવો એ પાપ છે એટલે ઘણા જાગૃત લોકો શાકાહાર તરફ વળ્યા છે. કોઈ પણ ધર્મમાં પશુની હિંસા કરવી જોઈએ એવું લખ્યું નથી. બીજું કે કુદરત ક્યારેય અનાજ ઘટવા દયે તેમ નથી. વધુમાં તેઓએ ઉમેર્યું કે શાકાહારની જાગૃતી મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે. જેને કારણે અનેક પશ્ચિમી સહિતના દેશોમાં પણ શાકહારીઓની સંખ્યા વધતી જઈ રહી છે. બીજી તરફ માંસાહાર એ પાપ છે. કોઈ જીવને નુકસાન પહોંચાડી આપણું પેટ ભરવું એ યોગ્ય નથી.