દોષિત ઠરેલા 6 લોકોને મુક્તિ આપવાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવા સુપ્રિમને સરકારની વિનંતી
વડાપ્રધાનનું પદએ દેશનું ગરિમાપૂર્ણ પદ છે. વડાપ્રધાનની હત્યાએ દેશ ઉપર કાળા ધબ્બા સમાન ઘટના છે. ત્યારે પૂર્વ વડાપ્રધાનની હત્યા કરનારા દોષીતોને કોઈ પણ સંજોગોમાં છોડી ન શકાય તેવો મત કેન્દ્ર સરકારે વ્યક્ત કર્યો છે.
કેન્દ્ર સરકાર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડાવવા સામે આગળ આવી છે. આ માટે કેન્દ્ર વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે ખુદ રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત ઠરેલા છ લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્રએ તેની અરજીમાં કહ્યું છે કે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારને બોલવાની પૂરતી તક આપ્યા વિના લેવામાં આવ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે સુનાવણી દરમિયાન પ્રક્રિયાગત ક્ષતિઓ હતી, જેના કારણે કેસમાં કેન્દ્ર સરકારની દરમિયાનગિરી નજીવી રહી.
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ તમામ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. 1991માં તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં રાજીવનું મૃત્યુ થયું હતું.
કોર્ટે સ્વીકાર્યું હતું કે દોષિતોએ 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા હતા અને સજા દરમિયાન તેમનું વર્તન સારું હતું. આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલા જ અન્ય દોષિત એજી પેરારીવલનને મુક્ત કરી દીધો હતો. તે આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો હતો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું, જેણે તેમની મુક્તિને મજબૂત બનાવી હતી. જો કે કેન્દ્ર સરકારની સાથે કોંગ્રેસ પાર્ટી પણ દોષિતોને છોડવાના વિરોધમાં છે.
બીજી તરફ હત્યાના કેસમાં સજા ભોગવીને મુક્ત થયેલી નલિનીએ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ પરિવારમાંથી છું. ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે અમે આખો દિવસ કંઈ ખાધું નહોતું. અમે ચાર દિવસ સુધી રડ્યા. રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે પણ અમે ત્રણ દિવસ સુધી રડ્યા હતા. પરંતુ મારા પર તેની હત્યા કરવાનો આરોપ હતો. હું ત્યારે જ આરામથી જીવી શકીશ જ્યારે તેની હત્યાનો આરોપ મારા પરથી સંપૂર્ણપણે દૂર થઈ જશે.