દુનિયામાં પ્રથમવાર કોરોનાનું ડબલ ઇન્ફેક્શન
દુનિયામાં પ્રથમવાર કોરોનાના ડબલ ઈન્ફેક્શનના કેસ જોવા મળ્યા છે. બ્રાઝિલના દર્દીઓની તપાસમાં જોવા મળ્યું કે બે કોરોના દર્દી એકસાથે બે કોરોના વેરિઅન્ટથી સંક્રમિત હતા. બ્રાઝિલની ફિવેલ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોનાથી સંક્રમિત 90 દર્દીનાં સેમ્પલનો અભ્યાસ કર્યો હતો, જે દરમિયાન આ રિઝલ્ટ મળ્યું હતું.
કાતિલ કોરોના વધુ ઘાતક બન્યો
જે બે લોકોમાં ડબલ ઈન્ફેક્શનની જાણકારી મળી તેમનાં સેમ્પલ ઉત્તરીય બ્રાઝિલના રિયો ગ્રાન્ડે ડો સુલથી લેવામાં આવ્યા હતા. પ્રથમ દર્દી, બે બ્રાઝિલિયન કોરોના વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા. આ વેરિઅન્ટને પી.1 અને પી.2 નામ આપવામાં આવ્યાં છે.
બે દર્દીમાં કોરોનાના એક સાથે બે વેરિએન્ટ્સ મળ્યા
ડબલ ઈન્ફેક્શનનો શિકાર બનેલા બીજા દર્દીમાં પી.2 અને બી.1.91 વેરિઅન્ટ એકસાથે જોવા મળ્યા. બી.1.91 વેરિઅન્ટ પ્રથમવાર સ્વીડનમાં મળી આવ્યો હતો. બ્રાઝિલના વિજ્ઞાનીઓની આ શોધને સ્વતંત્ર રીતે સમર્થન હજુ મળ્યું નથી, પરંતુ દુનિયાના અનેક નિષ્ણાતોએ કહ્યું છે કે એકસાથે બે વેરિઅન્ટથી દર્દી સંક્રમિત થાય એ શક્ય છે. હાલ બ્રાઝિલની ફિવેલ યુનિવર્સિટીના અભ્યાસને કોઈ જર્નલમાં પ્રકાશિત કરાયો નથી અને અન્ય કોઈ વિજ્ઞાનીઓએ એનો રિવ્યૂ પણ કર્યો નથી, પરંતુ મુખ્ય સંશોધક ફર્નાન્ડો સ્પિલકીએ ડર વ્યક્ત કર્યો કે કો-ઈન્ફેક્શન (એકસાથે અનેક ચેપ)થી નવો કોરોના વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.