છ શખ્સોએ છરીના ઘા મારી કારથી ઉડાડી જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ
પોરબંદરમાં ખારવાવાડ જૂની અદાવતનો ખાર રાખી એક મહિલા સહિત ત્રણ પર ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં છ શખ્સોસોએ છરી વડે હુમલો કરી કારથી ઉડાડીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક યુવાન ઘવાતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ખારવાવાડમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોક રણછોડભાઈ કોટિયા નામના ૪૫ વર્ષના આધેડ પર જીતુ માવજી પોટિયા, મિલન પોટિયા, ચંદ્રેશ પોટિયા, ભાવિન કિશોર સેરાજી, તુષાર મનસુખ ગોહેલ અને કલ્પેશ મુકાદમ નામના શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ અશોકભાઈ કોટિયા અને આરોપી જીતુ પોટિયા વચ્ચે દોઢેક માસ પહેલા માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી જીતુ સહિત છ શખ્સોએ કારમાં આવીને અશોકભાઈ પર છરી વડે હુમલો કરી છરીના પાંચ થી છ ઘા મારી દીધા હતા. તે દરમિયાન અશોકભાઈને છોડાવવા વચ્ચે પડેલા હિમેનભાઈ લોઢારી અને રતનબેન જુહીને પણ આ શખ્સોએ માર માર્યો હતો.
તમામ શખ્સોએ મહિલા સહિત ત્રણ પર છરી થી હુમલો કર્યા બાદ પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ કરતા અશોકભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને વધુ સારવાર માટે અત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસે છ શખ્સો સામે ખૂની હુમલાની કલમ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.