જુની અદાવતમાં ચાર શખ્સોએ છરી વડે ઢીમ ઢાળી દીધું
ભુજ તાલુકાના સેડાતા ગામ પાસે આજે મુન્દ્રા ગામના બાઇક ચાલકને ચાર શખ્સોએ મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બહાર આવી છે. આ ઘટનામાં એક યુવાનને માર મારીને ઇજાઓ પહોચાડવામાં આવી હતી જો કે આ મામલે જાણકારોમાં એવી પણ ચર્ચા કે મૃતક યુવાને થોડા સમય પહેલા બાવાગોરના મેળામાં જૂની અદાવતના પગલે એક યુવાનની હત્યા નીપજાવી હતી તેનું વેર વાળવા માટે જ આ યુવાનની હત્યા નીપજાવાઇ છે.
આ અંગે ભુજની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત વિનોદ ખીમજી ચાવડાએ માનકુવા પોલીસ સ્ટેશનમાં વિગતો આપતા જણાવ્યું હતું કે તા.ર૭ના બપોરે ૧.૩૦ થી ૧.૪૫ વાગ્યાના અરસામાં ભુજ-મુન્દ્રા રોડ પર મુસ્તાક રહેમતુલ્લા કકલ અને હું બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક તૂફાન આવી હતી. જેમાંથી ચારેક ઇસમો નીચે ઉતરીને અમારી પાસે આવ્યા હતા જે પૈકીના એક શખ્સના હાથમાં તીક્ષ્ણ હથિયાર હતું.
ચારેયે મળીને ઉગ્ર બોલાચાલી કરી હતી આ દરમિયાન વિનોદ બેભાન બની ગયો હતો અને તે જયારે જાગ્યો ત્યારે હોસ્પિટલમાં હતો અને ત્યાં જ તેને ખબર પડી કે મુસ્તાકની લાશ પણ હોસ્પિટલમાં જ લાવવામાં આવી છે. બનાવ અંગે મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા પોલીસ સમક્ષ વ્યકત કરતા પોલીસે તપાસ કરીને કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઇ વિક્રમ ચંપાવતે જણાવ્યું હતું કે ભુજ-મુન્દ્રા માર્ગ પરથી બાઇક લઇને જઇ રહેલા યુવાનની હત્યા નીપજાવવામાં આવી છે આ બનાવ બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓના નામ હજુ જાણી શકાયા નથી પરંતુ હાલે હત્યા સહીતની કલમો તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.