બે વર્ષ પહેલા ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઇમ યુઝ કરવાનો નિયમ આવતા હોસ્પિટલો ખર્ચ આશરે રૂ.400 વધ્યો હતો જેના માટે સરકાર પાસે ખર્ચ વધારવાને બદલે ઘટાડી નાખ્યો: નેફ્રોલોજીસ્ટ તબીબ ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
છેલ્લા થોડા વર્ષોમાં કિડનીના ડાયાલિસિસ દર્દીઓમાં ગંભીર વધારો થતા અને સરકારી ડાયાલિસિસ યુનિટોની સંખ્યા ઓછી હોવાને કારણે સરકાર દ્વારા બિનસરકારી તબીબો, પ્રાઇવેટ, કોર્પોરેટ અને ટ્રસ્ટ હોસ્પિટલો સાથે ભાગીદારી કરી ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલિસિસ યોજના શરૂ કરવામાં આવેલ, જેમાં લાખો દર્દીઓ તેનો લાભ લઇ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફ્રી ડાયાલિસિસ સારવાર સારી ગુણવત્તા સાથે લઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં એક વર્ષ માં 1.3 કરોડ PMJAY ડાયાલિસિસ સારવાર થાય છે, જેમાંથી 1.02 કરોડ (78%) PMJAY ડાયાલિસિસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા જે નક્કી કરેલ રકમ પ્રાઇવેટ હોસ્પિટલોને ચુકવાતી તે છેલ્લા આઠ વર્ષથી યથાવત હતી. જેમાં ભાવ વધારો કરવા અસંખ્યવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઇ વધારો આજ દિન સુધી કરાયો નહી. અધુરામાં પુરુ, તાજેતરમાં PMJAY દ્વારા અન્ય વિવિધ સારવારો માટે ખુબ મોટો ભાવ વધારો મંજૂર કરાયો જેમાં, આશ્ચર્ય વચ્ચે ડાયાલિસિસનો ખર્ચ ઘટાડવામાં આવ્યો!!! આ અન્યાયી નીતિ સામે ગુજરાતભરના નેફ્રોલોજીસ્ટ ડોકટરો અને હોસ્પિટલો દ્વારા આગામી તા.14 થી 16 ઓગષ્ટ દરમ્યાન મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી હડતાલનું શસ્ત્ર ઉગામશે.
બે વર્ષ પહેલા સરકારએ એવો નિયમ દાખલ કર્યો કે ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઇમ યુઝ કરવા. જેનો ખર્ચ આશરે રૂ.400 જેટલો પ્રાઇવેટ હોસ્પિટલોને વધારે થવા લાગ્યો, જેના માટે પણ ઘણી રજૂઆતો કરી પણ તે બહેરા કાને અથડાઇ પરત આવી. અન્ય રાજયો અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્ડિયાની ડાયાલિસિસ ગાઇડલાઇન પણ આ ફિલ્ટર રી-યુઝ કરવાની સલાહ આપે છે. ગુજરાત સિવાય અન્ય બધી જગ્યાએ આ ફિલ્ટર ફરી વાપરવામાં આવે છે, જે સુરક્ષિત પણ છે અને તે વધતા બાયો મેડિકલ વેસ્ટ નિયંત્રણ માટે પણ સલાહ ભર્યું છે. ગુજરાતમાં PMJAY અંતર્ગત અપાતા ખર્ચમાં અન્ય રાજયો કરતા ઘણી વિસંગતતા પ્રવર્તે છે. રાજસ્થાન, છત્તીસગઢ, તથા અન્ય રાજ્યોમાં PMJAY ડાયાલિસિસના દર રૂ.2100 છે. તેમજ PMJAY માટે ની NHA (નેશનલ હેલ્થ ઓથોરીટી) ની ગાઇડલાઇનમાં પણ ડાયાલિસિસ ચાર્જ રૂ.2200 (1500 + 700 EPO ઈન્જેકશન) ની જોગવાઇ છે. જેમાં આવવા-જવાના ભથ્થા (રૂ.300) પણ નથી અપાતું આને ડાયલાઈઝર (ફિલ્ટર) પણ રિયુઝ કરવામાં આવે છે, તો આ તમામ તબીબોનો પ્રશ્ર્ન છે તો પછી ગુજરાત રાજ્યમાં જ આવી અસમાનતા અને વિસંગતતા કેમ છે?
તાજેતરમાં PMJAY દ્વારા બાઇપાસ સર્જરી અને ઘુંટણના સાંધા બદલવા જેવી સર્જરીમાં તોતીંગ રૂ. 10,000 થી રૂ. 60,000 સુધીનો વધારો મંજુર કરાયો જયારે આશ્ર્ચર્ય વચ્ચે ડાયાલિસિસની જીવન રક્ષક સારવારનો ખર્ચ વધારવાને બદલે ઘટાડવામાં આવ્યો!!! અગાઉ પણ બધા ખર્ચાઓને પહોંચી વળવા રૂ.2000 એક ડાયાલિસિસના સરકાર અત્યાર સુધી આપતી હતી, તે આજના મોંઘવારીના જમાનામાં ખર્ચને પહોંચી વળવું બહુ જ મુશ્કેલ હતું, તેમાં PMJAYને શું સૂઝયું કે વગર વિચારે સીધા ભાવ ઘટાડીને રૂ.1650 કરી નાખ્યાં. અંધેર નગરી અને ગંડુ રાજા જેવા અધિકારીઓના નિર્ણય બિલકુલ અન્યાયી છે. આ ઘટાડેલા ભાવમાં હવે પ્રાઇવેટમાં 1 કરોડ જેટલા ડાયાલિસિસ મફત કરતા સેન્ટરોને ડાયાલિસિસ યોજના બંધ કરવા સિવાય હવે કોઈ છૂટકો જ રહ્યો નથી. ઘણા નાના શહેરોમાં તો સેન્ટર બંધ થવા લાગ્યા.
કિડનીના દર્દીઓની તંદુરસ્તી નેફ્રોલોજીસ્ટ માટે સૌથી મહત્વની અને અગ્રીમ સ્થાને છે, પરંતુ વારંવારની રજૂઆતો અને અન્યાય સામે ન છુટકે હડતાલનું શસ્ત્ર ઉગામવા ડોકટરો અને હોસ્પિટલો મજબુર બન્યા છે અને આ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર ગણાશે. રાજકોટ નેફ્રોલોજી એસોસીએશન ચેપ્ટરના ડો. સંજય પંડયા, ડો.દિવ્યેશ વિરોજા, ડો.પ્રફુલ ગજ્જર, ડો.મયુર મકાસણા, ડો.ડેનિશ સાવલીયા, ડો.તુષાર ગાંધી ડો.મયુર કપુરીયા, ડો.મહિપાલ ખંડેવાલ અને ડો.પ્રિતેશ શાહ, સતીષભાઇ તન્ના ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા અને વિગતો જણાવી હતી.
કિડનીના દર્દીઓની તંદુરસ્તી નેફ્રોલોજીસ્ટ માટે સૌથી મહત્વની પ્રાયોરિટી:ડો.સંજય પંડ્યા
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા નેફ્રોલોજી ફોરમ ગુજરાતના રાજકોટ ચેપ્ટર સાથે સંકળાયેલા સિનિયર નેફ્રોલોજીસ્ટ ડો.સંજય પંડ્યાએ જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા જયારે વધતી કિડની ડાયાલિસિસના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે પ્રાઇવેટ, કોર્પોરેટ અને ટ્રસ્ટની હોસ્પિટલો અને ડોકટરોનો સંપર્ક કરાયો ત્યારે સમાજ સેવાના ઉદ્દેશથી તમામ લોકોએ સરકારનો સાથ આપ્યો. ગુજરાતમાં મોટા ભાગના ડાયાલિસિસના દર્દીઓ પીએમજેએવાય યોજના અંતર્ગત જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટરમાં ડાયાલિસિસની સાથે-સાથે દવાઓ અને ઇન્જેકશનો, લેબોરેટરીના રીપોર્ટસ, સેન્ટ્રલ એસીની સુવિધા, ખાવા-પીવાની સુવિધા, આવા જવાના રૂ.300 અને કિડનીના નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે. જે રીતે મોંઘવારી અને તબીબી સારવારનો ખર્ચ દેશ અને દુનિયામાં વધી રહ્યો છે, તેને જોતા છેલ્લા આઠ વર્ષથી સરકાર દ્વારા કોઇ વધારો કરાયો ન હતો, જેના માટે ઘણા સમયથી અમે ભાવ વધારા માટે રજૂઆતો અને આજીજી કરતા આવ્યા હતા.
રાજકોટમાં દર મહિને 5 થી 7 હજાર દર્દી ડાયાલિસિસ કરાવે છે: ડો.દિવ્યેશ વિરોજા
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો.દિવ્યેશ વિરોજાએ જણાવ્યું હતું કે આ અન્યાયના વિરોધમાં ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન અને હોસ્પિટલ રીપ્રેઝન્ટેટિવ દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ પીએમજેએવાયના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી તાકીદે નિવારણ કરવાનું આશ્ર્વાસન પણ આપેલું દુ:ખ સાથે કહેવું પડે છે કે વારંવાર પીએમજેએવાય અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. એક મહિના જેટલો સમય વીતી જવા છતાં કોઈ નિરાકરણ નહી આવતા ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તા.14 થી 16 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં પીએમજેએવાયડાયાલિસિસ બંધ કરવાની ફરજ પડી છે. ડાયાલિસિસ દર્દીઓ પણ સરકારના આ વલણ અને નિર્ણયથી નારાજ છે. હવે ડાયાલિસિસના દર્દીઓ ગુજરાત સરકાર દ્વારા ચાલતા સરકારી સેન્ટરમાં ડાયાલિસિસ કરાવવા મજબૂર બનશે. જ્યાં પૂરતા કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ નથી. આ હડતાલ દરમ્યાન ગુજરાતમાં બધા જ ડાયાલિસિસ કિડનીના ડોક્ટરોની દેખરેખ વગર જ થશે, ડાયાલિસિસ જેવી જટિલ સારવાર માટે નેફ્રોલોજિસ્ટ ડોકટરની દેખરેખ અને માર્ગદર્શન ખુબ જરૂરી છે. રાજકોટમાં દર મહિને 5 થી 7 હજાર દર્દીઓ ડાયાલિસીસ કરાવે છે.