કિડની સ્ટોનની સારવાર માટે વિશ્ર્વમાં પ્રથમ નંબરે આવેલા નડિયાદના મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ દ્વારા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના સાંનિધ્યામાં સંતો તથા જરૂરીયાતમંદ લોકો માટે નિ:શુલ્ક કિડની અને પ્રોસ્ટેટ નિદાન માટેના કેમ્પનું સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખાતે યોજાયો હતો.આ કેમ્પમાં 14 યુરોલોજીસ્ટ ડોક્ટરો તથા 12 નર્સિંગ સ્ટાફ દ્વારા સંતો તથા અલગ-અલગ પ્રાંતના જરૂરીયાતમંદ લોકો માટે કિડની અને પ્રોસ્ટેટનું ચેકઅપ તથા જરૂરી ટેસ્ટ કરી સારવાર કરવામાં આવી હતી. તેમજ આ રોગો વિશે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
કુંડળધામ ખાતે યોજાયો કિડની અને પ્રોસ્ટેટનો નિદાન સારવાર કેમ્પ
વિશ્ર્વના ટોપ 10 યુરોલોજીસ્ટ ડોક્ટરોમાં જેની ગણના છે તેવા મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના નિષ્ણાંત ડો. મહેશ આર. દેસાઇએ જણાવ્યું હતું કે આપણા શરીરમાં બીજા રોગો પોતાના લક્ષણ દાખવીને ચેતવતા હોય છે. પણ કિડની અને પ્રોસ્ટેટના રોગોના બાહ્ય લક્ષણો ઘણી વાર નથી જણાતા ને ગુપચૂપ પોતાનું કામ કરતાં રહીને આપણને નુકશાન પહોંચાડી શકે છે. એટલે સમયસર કિડની અને પ્રોસ્ટેટનું ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. જેથી ભવિષ્યમાં વધુ ખરાબ પરિસ્થિતિથી બચી શકાય છે.
મેડિકલ ડીરેક્ટર ડો.એ.કે. રસ્તોગીએ પણ આ બાબતે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ કિડની અને પ્રોસ્ટેટ નિદાન કેમ્પના અંતે નડિયાદ સ્થિત મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના સમગ્ર મેમ્બર્સ તથા ડોક્ટર્સ-સ્ટાફના આ ભગીરથ નિ:શુલ્ક સેવાકાર્યને બિરદાવતા પૂજ્ય સદ્વરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પ્રસન્નતા અભિવ્યક્ત કરી આશિર્વાદ પાઠવ્યા હતાં. સાથે આ કેમ્પનો લાભ લેનાર સમગ્ર દર્દીઓ-જરૂરીયાતમંદ લોકો અને સંતોએ તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.