ન્યારા કંપનીના મેનેજરનું કોન્ટ્રાકટ મેળવવા બાબતે અમુક શખ્સોએ અપહરણ ર્ક્યું હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. મેનેજર પડાણા નજીકથી કારમાં પસાર થઈ રહ્યાં હતા તે વેળાએ તેઓને અમુક શખ્સોએ આંતરી અપહરણ ર્ક્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે જિલ્લાભરની પોલીસ એકશન મોડમાં આવી છે. આ ઉપરાંત પોલીસે નાકાબંધી કરી હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.
જામનગર જિલ્લાના પડાણા નજીક ન્યારા કંપનીના મેનેજર પવનકુમાર શર્માની કારને આંતરી અમુક શખ્સોએ તેમનું અપહરણ ર્ક્યું હોવાનો બનાવ બન્યો છે. જો કે એવી પણ માહિતી મળી રહી છે કે, ન્યારા કંપનીમાં રૂા.5 કરોડનો કોન્ટ્રાકટ મેળવવા 4 શખ્સોએ તેમને ધમકી આપી હતી. આ કોન્ટ્રાકટ મળતો ન હોય શખ્સોએ મેનેજરના અપહરણનું કાવતરુ ઘડી આજે આ કાવતરાને પાર પાડ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસે આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત પોલીસ દ્વારા અનેક સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે.
ન્યારા કંપનીમાં તાજેતરમાં જ કેટલાંક નવા પ્રોજેકટ આવવાના હોવાથી સ્થાનિક લોકલ કોન્ટ્રાકટરો વચ્ચે કોન્ટ્રાકટ મેળવવા અંદરો અંદર ગળાકાંપ હરિફાઈ ચાલી રહી છે તો બીજી તરફ કંપનીના અધિકારીઓને ધાક-ધમકી દઈ કોન્ટ્રાકટ હાસલ કરવા છેલ્લા કેટલાંક સમયથી પ્રયાસો થઈ રહ્યાં છે. કોન્ટ્રાકટ મેળવવા અને કંપનીના અધિકારીઓ પર ધાક જમાવવાના ઈરાદે અપહરણ કરાયું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ન્યારા કંપનીના મેનેજર પવનકુમાર શર્માની કારને પડાણા નજીક આંતરી અપહરણ કરાયાની જાણ જિલ્લા પોલીસ વડાને થતાં તાકીદની અસરથી હાઈ-વે પર નાકાબંધી કરી દેવામાં આવી છે.