મોટા મવાના જમીનના પ્લોટના પ્રશ્ર્ને હોસ્પિટલ ચોકમાંથી બે શખ્સો ઇનોવામાં ઉઠાવી જામનગર રોડ પર ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા’તા
શહેરના પોપટપરા વિસ્તારના પ્રૌઢનું જમીનના પ્લોટના પૈસાની પ્રશ્ર્ને ચાર મેર શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખી રૂ|.૩૫ લાખની ખંડણી માગવા ધમકીભર્યા ફોન કરવાના ગુનામાં સંડોવાયેલા ચારેય શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી અપહૃત પ્રૌઢને હેમખેમ મુક્ત કરાવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા નજીક આવેલા રઘુનંદન સોસાયટીમાં રહેતા દોલુભા દેવાભા વાઘેરની સ્ત્રી મિત્ર રસીલાબેન ખોડાભાઇ મકવાણાની નજર સામે હોસ્પિટલ ચોકમાંથી ઇનોવા કારમાં દિલીપ અને તેના સાગરીતોએ અપહરણ કરી રૂ|.૩૫ લાખની ખંડણી માટે ધમકીભર્યા ફોન આવ્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વેશપલ્ટો કરી ઘંટેશ્ર્વર પાસેથી અપહરણના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી દોલુભા વાઘેરને મુક્ત કરાવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, એએસઆઇ બીપીનભાઇ ગઢવી, ભરતભાઇ વાઘેલા, ભરતભાઇ વનાણી હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇ મકવાણા અને જયંતીભાઇ ગોહેલ અને સંજયભાઇ ચાવડા સહિતના સ્ટાફે મોબાઇલ લોકેશન ટ્રેસ કરી મોબાઇલમાં વાત ચીત કરી જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે ખંડણીની રકમ આપવા તૈયાર હોવાનું છટકુ ગોઠવી કાલાવડ રોડ વિલમનગરના દિલીપ પરબત ગોઢાણીયા, જામનગર જેલ રોડ પ્રેમચંદ શેઢ કોલોની, અશોક પરબત ગોઢાણીયા, જીવરાજ પાર્કના ભરત નાગા ઓડેદરા અને પોરબંદરના આદિત્યાણા ગામના ભરત મેરામ મેરને ઝડપી દોલુભા વાઘેરને મુક્ત કરાવ્યા હતા.
ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન ભરત ગોઢાણીયાએ મોટા મવા ખાતેના દોલુભા વાઘેરનો પ્લોટ ખરીદ કર્યો હતો અને તેનું પેમેન્ટ ચુકવી દીધા બાદ વાંધા અરજી થતા પ્લોટ વિવાદવાળો હોવાથી રૂ|.૩૫ લાખ દિલીપભાઇ ગોઢાણીયાએ પરત માગ્યા હતા પણ પરત આપતા ન હોવાથી અપહરણ કર્યાની કબુલાત આપી હતી.
ગઇકાલે સાંજે દોલુભા વાઘેર પોતાની સ્ત્રી મિત્ર રસીલાબેન મકવાણા સાથે હોસ્પિટલ ચોકમાં નીરો પી રહ્યા હતા ત્યારે ઇનોવા આવેલા દિલીપ ગોઢાણીયા સહિતના શખ્સોએ ચા પીવાના બહાને બેસાડયા બાદ જામનગર લઇ ગયા બાદ રસીલા મકવાણા સાથે મોબાઇલમાં વાત કરી દોલુભા વાઘેરનું મોઢુ જોવું હોય તો રૂ|.૩૫ લાખ આપવાની માગણી કર્યાની ચારેય શખ્સોએ કબુલાત આપી છે.
જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે વાડીએ લઇ જઇ રાતભર ત્યાં રાખ્યાની ચારેય શખ્સોએ કબુલાત આપી છે. તેઓની સાથે અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા ચારેય શખ્સોની પૂછપરછ હાથધરવામાં આવી છે.