- અમરેલીમાં ફિલ્મને ટક્કર મારે તેવી કહાની
- જાગૃત અઢિયા અઢી દાયકા બાદ પરત ફરતા લોહાણા પરિવારમાં હરખની હેલી: ખરાઈ માટે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો
અમરેલીમાં ફિલ્મને ટક્કર મારે તેવી કહાની સામે આવી છે. વર્ષ 2000માં લોહાણા પરિવારના ચાર વર્ષીય બાળક જાગૃત અઢિયાનું અપહરણ થયું હતું. જે બાળકને શોધી કાઢવા આંદોલનો થયાં હતા, વિશેષ તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી પરંતુ ચાર વર્ષના બાળકની કોઈ જ ભાળ મળી આવી ન હતી. ઘટનાને અઢી દાયકા વીતી જતાં પરિવારે પણ પુત્રની વાપસીની આશા છોડી દીધી હતી પણ 24 વર્ષે હરિયામાંથી પોતાના માતા-પિતાને શોધતો એક યુવક અમરેલી પરત ફરતા લોહાણા પરિવારના હરખની હેલી છે. જો કે, ચાર વર્ષની ઉમરમાં જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને જે યુવક પરત ફર્યો છે તે બંને એક જ છે કે કેમ તે જાણવા પોલીસે યુવક અને તેના માતા-પિતાના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે.
સમગ્ર મામલાની જો વિગતવાર ચર્ચા કરવામાં આવે તો તા.10/3/2000 ના રોજ સાંજના 5:30 વાગ્યાં આસપાસ અમરેલીના મણિનગરમાં રહેતા જિતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ અઢિયાના પોણા ચાર વર્ષના પુત્ર જાગૃતે બાજુના રવિનગરમાં કાકાની સાથે રહેતાં બા પાસે જવાની જીદ કરી હતી. માતા આરતીબેને બાનું ઘર થોડા અંતરે જ હોઈ પુત્રને એકલો જ ત્યાં જવા માટે મોકલી દીધો પરંતુ આ બાળક ક્યારેય બા સુધી પહોંચી શક્યો નહીં. રસ્તામાં જ કોઇએ તેનું અપહરણ કરી લીધું હતી. ચાર વર્ષના બાળકના અપહરણના લીધે અમરેલી શહેરમાં હાહાકાર મચી ગયો હતો. સમગ્ર તંત્ર બાળકની શોધમાં લાગ્યું હતું પણ ભાળ મળી ન હતી.
વર્ષ 1996માં 7 એપ્રિલના રોજ જન્મેલા જાગૃતના અપહરણકાંડે ગુજરાતભરમાં ચકચાર મચાવી હતી. અમરેલી શહેરમાં અનેક આંદોલનો થયાં, ખાસ તપાસ ટીમો નિમાઈ, ઠેકઠેકાણે આવેદન અપાયાં પરંતુ જાગૃતની ક્યાંય ભાળ ન મળી. સમય વીતતો ગયો અને મામલો ઠંડો પડી ગયો હતો. આટલાં વર્ષો પછી પરિવારને હવે પુત્ર પરત આવશે તેવી આશા ન હતી. પરંતુ એક યુવાન જાગૃત બનીને પરિવાર સામે આવીને ઊભો છે. હરિયાણાનો પ્રફુલ ભગવાનદાસ નામનો યુવાન છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં પોતાનાં મા-બાપને શોધી રહ્યો છે.
હરિયાણામાં ડેરીનો વ્યવસાય કરતાં પાલક માતા-પિતાએ છેલ્લાં 24 વર્ષથી તેનો ઉછેર કર્યો છે. 24 વર્ષ પહેલાં એક ટ્રકચાલક બાળકને એક ઢાબા પર મૂકી ગયો હતો અને તે ગુજરાતનો છે તેમ કહ્યું હતું. જુદાં જુદાં બે-ત્રણ ઘરે ફર્યા બાદ આખરે આ બાળકનો ઉછેર ભગવાનદાસે કર્યો હતો. બે વર્ષ પહેલાં પાલક માતા-પિતાના અવસાન બાદ યુવાન માતા-પિતાની શોધમાં ગુજરાત આવ્યો અને પોતાનો વીડિયો વાઈરલ કર્યો હતો. હાલમાં 28 વર્ષની ઉંમરના આ યુવાનનો ચહેરો લોહાણા પરિવારને મળતો આવતો હોઈ વીડિયો જોઇને પાડોશી મહિલાએ આ પરિવારને જાણ કરી હતી. જેથી યુવકને અમરેલી બોલાવાયો હતો. જાગૃતના શરીર પર જે નિશાનો હતાં તેવાં જ નિશાનો આ યુવકના શરીર પર પણ છે. જેથી પોલીસે આ યુવાન તથા તેનાં મા-બાપના લોહીના નમૂના લઇ ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યા છે. આ યુવાન પરિવાર સાથે આઠ દિવસ રહ્યા બાદ હાલમાં મહારાષ્ટ્ર ગયો છે. યુવક, લોહાણા પરિવાર અને પોલીસ ડીએનએ રિપોર્ટની રાહ જોઇ રહ્યાં છે. જો ડીએનએ રિપોર્ટ મેચ થશે તો આશરે અઢી દાયકા બાદ માસૂમ બાળકમાંથી યુવાન બનેલા જાગૃતને તેનો પરિવાર અને ઘર મળશે.
જાગૃતના અપહરણ વખતે અમરેલી શહેર સજ્જડ બંધ રહ્યું હતું અને વિધાનસભા સામે પણ ઉપવાસ આંદોલન થયાં હતાં. તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાએ ગાંધીનગરથી ખાસ તપાસ ટુકડીઓ અમરેલી મોકલી હતી પણ કેસ ઉકેલાયો ન હતો.
હરિયાણામાં પાલક માતા-પિતાનું અવસાન અને દૂધની ડેરી બંધ થતાં પ્રફૂલ મા-બાપની શોધમાં ગુજરાત આવી ગયો હતો. બે વર્ષ પહેલાં સુરતમાં રહી શોધખોળ કરી પરંતુ ભાળ ન મળી હતી. બે માસ પહેલાં પોરબંદરના યુ-ટયૂબરની મદદ લીધી તો આ લોહાણા પરિવાર સુધી પહોંચી શક્યો છે. હાલમાં તે હિન્દી અને ત્રુટક ગુજરાતી બોલે છે અને પાલક પિતાના સગા સાથે મહારાષ્ટ્રમાં રહી ખાનગી નોકરી કરે છે.
ત્રણ દાયકા પૂર્વે ગાઝિયાબાદથી ભેદી રીતે ગુમ થયેલો બાળક પરિવાર પાસે પરત પહોંચ્યો
અમરેલી જેવો જ એક કિસ્સો ગાઝિયાબાદમાંથી સામે આવ્યો છે. વર્ષ 1996માં વીજળી વિભાગના નિવૃત ક્લાર્કનો પુત્ર ભીમસિંઘ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો. આ ઘટનાને 31 વર્ષ વીત્યા બાદ પુત્ર પરિવાર પાસે પરત ફરતા પોલીસે તાત્કાલિક યુવક અને તેના માતા-પિતાના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ યુવક દેહરાદૂનમાં પણ એક પરિવારના લાપતા પુત્ર મોનુસિંઘ તરીકે ઓળખ આપી રહી ચુક્યાનું સામે આવતા તુલરામે તેને પુત્ર તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે પણ તેની પત્ની લીલાવતીએ આ યુવક પોતાનો જ પુત્ર હોવાની જીદ કરતા અંતે ડીએનએ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.