- મુખ્તાર વિરુદ્ધ યુપી, પંજાબ, નવી દિલ્હી અને અન્ય રાજ્યોમાં લગભગ 60 કેસ પેન્ડિંગ
ઉત્તર પ્રદેશના મઉ મતવિસ્તારમાંથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ અને ખૂંખાર ગેંગસ્ટર મુખ્તાર અંસારી જેલમાં બેભાન થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. બીજી તરફ તેને જેલમાં ઝેર અપાયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્તાર અંસારી છેલ્લા ત્રણ દિવસથી યુરિનરી ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. “મોડી રાતના 1 વાગ્યે મુખ્તાર અંસારીને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ ડોકટરોની ભલામણને પગલે તેમને સર્જરી માટે આઇસીયુંમાં ખસેડવામાં આવ્યા છે,” સૂત્રએ જણાવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મુખ્તાર અંસારીની વિરુદ્ધ યુપી, પંજાબ, નવી દિલ્હી અને અન્ય રાજ્યોમાં લગભગ 60 કેસ પેન્ડિંગ છે. અગાઉ 13 માર્ચે અંસારીને 1990માં આર્મ્સ લાયસન્સ મેળવવા માટે બનાવટી દસ્તાવેજોના ઉપયોગ સાથે સંબંધિત કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં યુપીમાં આ આઠમો કેસ હતો, જેમાં પાંચ વખતના ભૂતપૂર્વ ધારાસભ્યને કોર્ટે દોષિત ઠેરવ્યાં હોય અને સજા સંભળાવી હોય. વારાણસીની સાંસદ/ધારાસભ્ય અદાલતે અંસારીને ભારતીય દંડ સંહિતાની કલમ 467 (મૂલ્યવાન સુરક્ષા, વિલ વગેરેની બનાવટી) અને 120-બી (ગુનાહિત કાવતરું) હેઠળ આજીવન કેદ અને કલમ 420 (છેતરપિંડી) અને 468 (બનાવટી) હેઠળ સાત વર્ષની સજા ફટકારી હતી.