સિનેમા ઘરોમાં એક તૃતીયાંશની ક્ષમતા સાથે ચાલુ કરાશે: મોબાઈલ ટીકીટની સાથે લોકો માટે સેનીટાઈઝેશન ફરજીયાત બનાવાશે
વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ જે લોકડાઉન પછી અનલોક જોવા મળ્યા તેમાં સિનેમા ઘરોને બાકાત રાખવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ૧લી સપ્ટેમ્બરથી સિનેમા ઘરોને શરૂ કરવા માટેની વાત વહેતી થઈ છે ત્યારે ૧લી સપ્ટેમ્બરથી જો સિનેમા ઘરો ખોલી નાખવામાં આવશે તો અનેકવિધ સારસંભાળ સાથે લોકો સિનેમા ઘરોમાં પ્રવેશ મેળવી શકશે. હાલ જે ધારા-ધોરણો અને નીતિ-નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, સિનેમા ઘરોમાં માત્રને માત્ર મુવી જોતા એક તૃતીયાંશની ક્ષમતાને જ આવવા દેવામાં આવશે. જયારે ફિઝીકલ ટીકીટના બદલે સિનેમા ઘરોએ લોકોને મોબાઈલ ટીકીટ આપવી પડશે અને લોકોને સેનીટાઈઝ પણ કરવા પડશે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઓગસ્ટ માસના અંતિમ સુધીમાં સિનેમા ઘર શરૂ કરવા માટેની નવી ગાઈડલાઈન્સ પણ બનાવવામાં આવે તેવી આશા સેવાઈ રહી છે. હાલ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જે લોકો ફિલ્મ જોવા આવી રહ્યા છે તેઓને ઓલટરનેટ રોમાં બેસાડવામાં આવશે જેમાં પ્રતિ રોમાં ત્રણ સીટોને ખાલી રાખવામાં આવશે અને બે સીટો બુકિંગ માટે નિર્ધારીત કરવામાં આવશે. સિનેમા ઘરનું તાપમાન ૨૪ ડિગ્રી સુધી જ રાખવાનો હાલ નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને ફિલ્મ જોવા આવનાર લોકોએ ટુ પ્લાય માસ્ક પહેરવું પણ ફરજીયાત બન્યું છે. ઈન્ટરવલ દરમિયાન સ્ક્રિન ઉપર હેન્ડ સેનેટાઈઝ માટેની જાહેરાત પણ કરવામાં આવશે. સચિવોના જુથ અને મંત્રીઓના જુથે આ અંગે માહિતી એકત્રિત કરી ઓગસ્ટ સુધીમાં નવા નિયમોને અમલી બનાવવા માટેની ભલામણ કરી છે.
અનલોક બાદ જે સિનેમાઘરો શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તેની સાથો સાથ જીમ અને યોગા સેન્ટરોને મુખ્ય શહેરોમાં ખોલવા માટેની વિચારધારા હાથ ધરાઈ રહી છે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ લોકડાઉન બાદ જે અનલોકની સ્થિતિ જોવા મળી છે તેમાં લોકો તકેદારી રાખી તેઓ ખરીદી કરવા આવતા હોય છે જેથી એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે જો સિનેમા ઘરોને શરૂ કરવામાં આવશે તો પણ લોકો પોતાની જાતની સાર-સંભાળ રાખશે અને વૈશ્ર્વિક મહામારી કોરોનાથી પોતાનું રક્ષણ પણ કરી શકશે. સરકારના જણાવ્યા મુજબ હાલના તબકકે હવે તમામ ઉધોગોને શરૂ કરવા માટેની પરવાનગી આપવી જોઈએ ત્યારે સિનેમાહોલને શું કામ બાકાત રાખવામાં આવે ત્યારે સિનેમા ઘરોએ ફિઝીકલ ટીકીટના બદલે લોકોને સ્માર્ટ ફોનમાં જ ટીકીટ આપવી જોઈએ અને લોકોને પૂર્ણત: સેનીટાઈઝ કરી સિનેમા ઘરમાં પ્રવેશ આપવો જોઈએ.