પૂર્વ પ્રેમીએ હત્યા કર્યાની શંકા સાથે પૂછપરછ: ડબલ મર્ડરની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની દોડધામ
દેવભૂમિ દ્વારકાના ઓખા નજીક જૂના જકાત નાકા પાસે વિવાદાસ્પદ મહિલા અને પ્રૌઢના માથામાં અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવા મૃતક મહિલાના પૂર્વ પ્રેમીની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઓખા રહેતી આરતિબેન બબાભા માણેક નામની ૩૫ વર્ષની હિન્દુ વાઘેર મહિલા અને સુલેમાન બીલાલ સીદી નામના ૫૫ વર્ષના પ્રૌઢની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા છે.
મૃતક આરતીબેન માણેકના દસ થી બાર વર્ષ પહેલાં પોતાની જ જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયા હતા બે સંતાનની માતા આરતીબેન માણેકને પતિ સાથે મનદુ:ખ થતા પાચેક વર્ષ પહેલા છુટાછેડા લઇ લીધા બાદ અનવર હુસેન મોદી નામના યુવક સાથે કોઇ જાતના મૈત્રી કરાર કે લગ્ન કર્યા વિના પત્નીની જેમ રહેતી હતી. તેમજ દારૂનો ધંધો કરતી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આરતી માણેક અને અનવર મોદી વચ્ચે મનદુ:ખ થતા છેલ્લા એકાદ વર્ષથી એકલી જ રહેતી હતી અને ત્યાં કયારેક સુલેમાન સીદી જતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે મૃતક આરતી માણેકના પૂર્વ પ્રેમી અનવર મોદીની અટકાયત કરી પૂછપરછ કરતા તેને હત્યાનો ઇન્કાર કર્યો હતો.
આરતી માણેક અને સુલેમાન મોદીની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા આનંદ રોહન, એલસીબી પી.આઇ. ઓડેદરા, સીપીઆઇ દેકીવાડીયા અને પીએસઆઇ પી.જી. રોહડીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.