મોરબી રોડ પર આવેલા કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવમાં પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે આકાશ પાતાળ એક કર્યા છે. જો કે હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે. આટલો સમય સુધી આરોપીઓ ન પકડાતા એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે કે આરોપીઓને રાજકીય વગનો સહારો મળી ગયો છે. જો કે પોલીસસૂત્રોનું કહેવું છે કે આગામી બે દિવસમાં આરોપી વિક્રમ દેવજી સોહલા, અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવ સહિતના પાંચેય આરોપીઓને ભાગેડું જાહેર કરવામાં આવશે.
બીજી બાજુ એવી પણ માહિતી મળી રહી છે કે પોલીસ દ્વારા આરોપીઓની સંપત્તિ ટાંચમાં લેવાની શરૂઆત પણ કરી છે. પોલીસે વિક્રમનું બુલેટ અને હિતેશની સ્કોર્પિયો કાર અને બાઇક કબ્જે કર્યું છે. અગાઉ પોલીસે અલ્પેશ અને હિતેશ ખનન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેમનું હિટાચી કબ્જે કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ડો.નિલેશ નિમાવત અને સરકારી વકીલ રક્ષિત કલોલાની સંડોવણી અંગેના પુરાવા પોલીસને મળી આવ્યા છે. પોલીસે આત્મહત્યાની ફરજ પાડવાના કેસમાં પુરાવાનો નાશ કરવો, ગુનાહીત કાવતરૂ અને ખોટા દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરવા અંગેની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.મહંત જયરામદાસબાપુએ ગત તા.31મી મેના રોજ ઝેરી દવા પી લેતા તેમના આપઘાતના બનાવને છુપાવી કુદરતી મોત એટલે કે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનું ખોટુ સર્ટિફિકેટ આપવા સબબ દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવતની સંડોવણી અંગેના પુરાવા મળી આવ્યા છે. જ્યારે સરકારી વકીલ રક્ષિત કલોલા આપઘાત પૂર્વે ખોડીયારધામ આશ્રમ ખાતે વિક્રમ ભરવાડની સાથે ગયો હતો.
રક્ષિત કલોલાની હાજરીમાં જ વિક્રમ ભરવાડે મહંત જયરામદાસબાપુને લાકડીથી માર માર્યો હોવાના પુરાવા મળ્યા છે. મહંત જયરામદાસબાપુએ લખેલી સ્યુસાઇડ નોટ મૃત્યુ બાદ રક્ષિત કલોલાએ પોતાના કબ્જામાં રાખી હતી. જયરામદાસબાપુના મોત બાદ મૃતદેહને નીચે ઉતરાવવાની સુચના આપી રૂમની સાફ સફાઇ કરાવી હતી. સ્યુસાઇડનોટ ફોટો સાધુ રઘુવિરદાસને રક્ષિત કલોલાએ મોકલ્યો હતો. મહંત જયરામદાસબાપુના મોબાઇલમાંથી સલ્ફોર્સ નામના ઝેરી ટિકડાનો ફોટો પણ મળી આવ્યો છે.ગત તા.1 જુનના રોજ જયરામદાસબાપુએ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે ખોડીયારધામ આશ્રમથી એમ્બ્યુલશ દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલી દેવ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
ડો.નિલેશ નિમાવત દ્વારા મહંત જયરામદાસબાપુના મરણનો દાખલો આપવાની સુચના આપી હોવાથી અન્ય એક તબીબ દ્વારા આપઘાતના બનાવને છુપાવી હાર્ટ એટેકથી મોત થયાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાના પોલીસને પુરાવા મળી આવ્યાનું પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી ટંડન અને પી.આઇ. એન.એન.ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે.