રક્તદાતાઓને બહોળી સંખ્યામાં કેમ્પમાં સહભાગી થવા ટ્રસ્ટની અપીલ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત ૨૦માં વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મહામારીની આ પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આગામી ૧૧ જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટમાં અલગ અલગ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.
સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત ૨૦ વર્ષથી વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જીવનમાં રક્તનું કેટલું મૂલ્ય છે એ સાર્થક કરી રહ્યું છે. હાલ આ મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રક્તની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે નરેશભાઈ પટેલના ૫૬માં જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧ જુલાઈ શનિવારના રોજ સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટ શહેરના ત્રણ સ્થળે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, મવડી પટેલ વાડી, દયાનંદનગર (વાણીયાવાડી) અને પટેલ વાડી, બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેથી જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરી હોવાથી તમામ નિયમોનું પાલન થાય તે પ્રકારે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રક્તદાન કરવા આવનાર દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરીને જ આવવાની અપીલ કરવામાં આવી છે.