‘અબતક’ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભાવિકોએ ઘરે બેઠા લાઈવ આરતીના દર્શન કરી માં ખોડલનું પૂજન કર્યું
લાખો ભાવિકોએ લાઈવ આરતીનો લ્હાવો લીધો: ભાવિકોએ ઘરે બેઠા લાઈવ આરતીના દર્શન કરી મા ખોડલનું પૂજન કર્યું
૨૧ જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૧ જાન્યુઆરીને ગુરુવારના દિવસે લાખો ભક્તોએ આ લાઈવ આરતીનો લ્હાવો લીધો હતો. અબતકનાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આરતીનો લ્હાવો લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
૨૧ જાન્યુઆરીએ દર વર્ષે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ધામધૂમથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે મહામારીના કારણે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થવું હિતાવહ ન હોવાથી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળ દ્વારા પાટોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. જેથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઈવ આરતી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર ૨૧ જાન્યુઆરીએ સવારે ૬-૧૫ કલાકે લાઈવ કરવામાં આવી હતી. લાઈવ આરતીનો લાખો ભક્તોએ ઘરે બેઠાં લ્હાવો લીધો હતો અને મા ખોડલના દર્શન કરી પાટોત્સવની ઉજવણી કરી હતી.
ભક્તોએ ઘરે જ મા ખોડલનું પૂજન પણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે સૌએ ઘરે જ મા ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને કંકુ અને ચોખાથી ચાંદલો કરવો, ત્યારબાદ મા ખોડલને ચુંદડી પહેરાવવી અને ફૂલનો હાર અર્પણ કરવો. ત્યારબાદ મા ખોડલને પ્રસાદ ધરીને દિવો પ્રગટાવી પૂજન કરવું. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આ આહ્વાનને ઝીલી ભક્તોએ ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને પૂજન કરી આશીર્વાદ લીધા હતા.