લોકડાઉનના પગલે બંધ થયુ’તું આધ્યાત્મધામ
ભક્તોએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું પડશે, સવાર-સાંજની આરતીમાં ભક્તો ભાગ લઈ નહીં શકે
ધ્વજારોહણ થઈ શકશે માત્ર પાંચ લોકોની ઉપસ્થિતિમાં
કાગવડનું શ્રી ખોડલધામ મંદિર ભક્તો માટે તા.૮ને સોમવારથી ખુલશે. ભક્તો સવારે ૬:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી શકશે. કોરોના વાઇરસની મહામારીના કારણે થયેલા તબક્કાવાર પાંચ લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-૧ની જાહેરાત કરીને નિયમોને આધિન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આથી સરકારના નિયમો પ્રમાણે ૮ જૂનને સોમવારથી રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખુલશે. સરકારે છૂટછાટ આપતા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું છે. ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે.
ગત તારીખ ૨૦ માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું હવે જ્યારે૮૦ દિવસ બાદ ૮ જૂનથી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે તેમ જણાવ્યું છે. ૮ જૂનથી ભક્તો માટે સવારના ૬-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રી ખોડલધામ મંદિરે સવારે અને સાંજે થતી આરતીનો લ્હાવો હાલ પૂરતો કોઈ ભક્તો નહીં લઈ શકે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભક્તોના શરીરનું તાપમાન માપવામાં આવશે અને જો વધુ તાપમાન જણાય તો મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે.
મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સીંગનું ખાસ પાલન કરવું પડશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરમાં ભક્તો વધુ સંખ્યામાં એકઠાં ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને દર્શન ગૃહમાં દર્શનાર્થી વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે.
હાલ મંદિરે થતાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ફક્ત પાંચ લોકો જ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ કરે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના અન્નપૂર્ણાલય અને પ્રસાદઘર હાલ નહીં ખુલે. હાલ માત્ર ભક્તો માટે ચા-પાણીની જ નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે. આગામી સમયમાં સરકાર દ્વારા જે નિયમો જણાવવામાં આવશે અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે નિર્ણય લેવાશે તે પ્રમાણે મંદિર પરિસરનું સંચાલન થશે તેમ ટ્રસ્ટે જણાવ્યું છે.
મંદિરને બેક્ટેરિયા મુક્ત કરાયું: આ પ્રક્રિયા સમયાંતરે ચાલુ રહેશે
લોકડાઉનમાં શ્રી ખોડલધામ મંદિર બંધ હતું તે સમયમાં સંપૂર્ણ મંદિર પરિસરને બેક્ટેરિયાથી મુક્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પ્રમાણિત મશીન દ્વારા મંદિરના પરિસરમાં તમામ જગ્યાએ મશીન દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું હતું. મંદિરની બારીક કોતરણી, રેલિંગ, દાનપેટી, ઘંટ સહિતની જગ્યાએ રહેલા તમામ બેક્ટેરિયા દૂર થાય તે માટે આ કામગીરી કરાઈ હતી. સમગ્ર મંદિરને શિખરથી લઈને નીચેના ભાગ સુધી પાણીથી સાફ કરવામાં આવ્યું હતું.આગામી સમયમાં પણ સમયાંતરે મંદિર પરિસરમાં સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે તેમ ટ્રસ્ટે જણાવ્યું છે.