ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનું ભવ્ય સન્માન: ધો.૧૦ અને ધો.૧૨ના તેજસ્વી છાત્રોનું પણ સન્માન કરાયું.
જામખંભાળીયા રાજપુત સમાજ દ્વારા નુતન વર્ષના પ્રારંભે લાભ પાંચમના દિવસે સ્નેહમિલન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાનો સન્માન સમારોહ યોજાયેલ હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા રહેલ અને દિપ પ્રાગટય ભીખુભા ગોપાલજી જાડેજાના હસ્તે રાખવામાં આવેલ હતો.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને રેલવે સ્ટેશનથી ૧૦૦૦થી વધુ બાઈક સાથે ખુલ્લી જીપમાં ઐતિહાસિક રેલી સ્વરૂપે લાવવામાં આવેલ હતો. જેમાં ૪૫ જેટલા સમાજ તેમજ સામાજીક સંસ્થાના હોદેદારો અને કાર્યકરો દ્વારા કમાનો અને બેનર લગાવી આતશબાજી કરી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાનું ઉમળકાભેર સન્માન કરેલ તેમજ દિવ્યાંગોએ પણ ખાસ ઉપસ્થિત રહીને સન્માન કરેલ હતું.
રાજપુત સમાજની વાડી ખાતે સમાજ દ્વારા ધારાસભ્યનું વિશિષ્ટ સન્માન તેમજ અધિકારીઓ અને રાજકીય આગેવાનો, સરપંચો અને ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જામનગર રાજપુત સમાજના સી.આર.જાડેજા, નવલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ જાડેજા (સેવકધુણીયા), ગોવુભા જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા (જાખર), ડી.કે.જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા (મછલીવડ) ઉપસ્થિત રહેલ. તેમજ દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકા રાજપુત સમાજ દ્વારા ધારાસભ્યનું સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાના રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખંભાળીયા શહેર અને ગામડાઓમાંથી સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપુત સમાજ જામખંભાળીયાના પ્રમુખ ચંદ્રસિંહ એફ.જાડેજા તેમજ આયોજન સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ. તેમજ કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા (લાખાણી)એ કરેલ હતું.