સરકારે ફાળવેલી જમીનની કબજા કિંમત અને વેરાદર મળીને કુલ રૂ.૩૬૫ કરોડનું લેણુ થયું: ચુકવાયા માત્ર રૂ.૧૦૭ કરોડ
ખીરસરા જીઆઈડીસીની જમીનની કબજા કિંમત અને વેરાદર મળીને ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ પાસેથી ા.૩૬૫ કરોડનું લેણુ નિકળ્યું હતું. જેમાંથી નિગમે માત્ર રૂ.૧૦૭ કરોડ જ ચુકવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જમીનની બાકી રૂ.૨૫૮ કરોડ જેટલી રકમ ચુકવવા માટે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમે તંત્ર પાસે મુદત પણ માંગી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
સરકારે લોધીકા તાલુકાનાં ખીરસરા ગામે સરકારી ખરાબાના સર્વે નં.૪૧૨ પૈકી ૭૬ની હે.૯૨-૬૩-૦૬ ચો.મી. જમીન જીઆઈડીસીને ઔધોગિક વસાહત સ્થાપવા માટે ફાળવી હતી. આ જમીનનાં કબજો સોંપતી વેળાએ એડવાન્સમાં રૂ.૧૦૭ કરોડ જેટલું ચુકવણુ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ લીમીટેડે કર્યું હતું.
ત્યારબાદ કોઈ પણ પ્રકારનું ચુકવણુ કરવામાં આવ્યું નથી. જમીનની કબજા કિંમત અને વેરાદર મળીને ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ લીમીટેડ પાસેથી રૂ.૩૬૫.૭૧ કરોડનું લેણુ નિકળતું હતું. તેમાંથી એડવાન્સ પેટે માત્ર રૂ.૧૦૭ કરોડ જેટલુ જ ચુકવણુ થતા હવે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ પાસેથી રૂ.૨૫૮.૭૧ કરોડ લેવાના નિકળે છે. વહિવટી તંત્ર દ્વારા આ અંગે અગાઉ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ લિમિટેડનું પત્ર મારફતે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ હાલ રૂ.૨૬૫ કરોડ ચુકવવા માટે સમર્થ ન હોવાના કારણે વહિવટી તંત્ર પાસેથી મુદત પણ માંગવામાં આવી છે.